પંઢરપુરના ભક્તોની જીપ કૂવામાં પડી જતા 7નાં મોત
જીપમાં 12થી 15 પ્રવાસીઓ હતા
સામેથી આવતી બાઇક સાથેની અથડામણ ટાળવા જતા અકસ્માત
મુંબઇ : પંઢરપુરની યાત્રામાંથી ઘરે પાછા આવી રહેલા શ્રદ્ધાળુઓની જીપ જાલનામાં કૂવામાં પડી જતા સાત જણ કાળનો કોળીયો બની ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી જીપમાંથી ઇજાગ્રસ્ત ત્રણ જણને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાઇક ચાલકને બચાવવા જતા ડ્રાઇવરે જીપ પરથી નિયંત્રણ ગુમાવ્યું હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે.
નોંધનિય છે કે અગાઉ અષાઢી એકાદશી નિમિત્તે પંઢરપુર જઇ રહેલા ડોમ્બિવલીના ભક્તોની બસ અને ટ્રેક્ટરની મુંબઇ- પુણે એક્સપ્રેસ વે પર અથડામણથી થયેલી દુર્ઘટનામાં પાંચ જણ મોતને ભેટયા હતા. અને ૪૨ને ઇજા થઇ હતી. બસ રસ્તાની બાજુમાં બેરિકેર તોડીને ૨૦ ફૂટ નીચે ખીણમાં પડી ગઇ હતી. અકસ્માતમાં જીવ ગુમાવનારા પ્રત્યેક મૃતકના પરિવારને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રૃા. પાંચ લાખની આર્થિક સહાય જાહેર કરી હતી.
અષાઢી એકાદશીના ગઇકાલે પંઢરપુર યાત્રામાં ગયેલા ભક્તો જીપમાં ઘરે પાછા આવી રહ્યા હતા.જાલનામાં રાજૂર રોડ પર તુપેવાડી નજીક આજે સાંજે ડ્રાઇવરે સામેથી આવતા બાઇક ચાલકને બચાવવા જતા જીપ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. જીપ રસ્તાની બાજુમાં આવેલા કૂવામાં ખાબકી હતી. આ કૂવામાં કઠેડો નહોતો.
આ બનાવની જાણ થતા પોલીસ, સ્થાનિક લોકો ફાયરબ્રિગેડ બચાવ કામગીરી માટે પહોંચી ગયા હતા. તેમણે કૂવામાં જીપમાંથી સાત મૃતદેહ બહાર કાઢયા હતા. જ્યારે ત્રણ જણ ઘાયલ થયા હતા તેમને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જીપમાં ૧૨થી ૧૫ પ્રવાસી હોવાનું કહેવાય છે. કૂવામાંથી જીપ બહાર કાઢવાનો પ્રયત્ન કરાયો હતો.