Get The App

રામગીરી મહારાજ સામે 67 કેસ નોંધાયા છે : સરકારની હાઈકોર્ટમાં રજૂઆત

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
રામગીરી મહારાજ સામે 67 કેસ નોંધાયા  છે : સરકારની હાઈકોર્ટમાં રજૂઆત 1 - image


એકનાથ શિંદે સામે કેસ નોંધવાની માગણી કરતી અરજીની સુનાવણી

માત્ર એક મંચ પર સાથે હોવાથી કેસ નોંધી શકાય નહીં, અમે તેમને ભાષ આપતાં ન રોકી શકીએઃ કોર્ટ

મુંબઈ :  નાશિકમાં ઈસ્લામ અને મોહમ્મદ પયગમ્બર વિશેષ કથિત અનાદર દર્શાવવા બદલ મહંત રામગીરી મહારાજ સાથે રાજ્યભરમાં ૬૭ એફઆઈઆર નોંધાઈ હોવાનું રાજ્ય સરકારે બોમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું.

સરકારે કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે વાંધાજનક સાહિત્ય પણ સાઈબર ક્રાઈમ પોલીસે સોશ્યલ મીડિયા પરથી ઉતારી લીધું છે. 

મોહમ્મદ પયગમ્બર વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરી રહેલી વ્યક્તિને સમર્થન અને રક્ષણ આપવા તેમ જ મુસ્લિમ સમુદાયની ધાર્મિક ભાવના દુભાવવા બદલ  મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે સામે ફોજદારી કેસ નોંધવાનો મહારાષ્ટ્ર પોલીસને નિર્દેશ આપવાની દાદ સાથે બાંદરાના રહેવાસીએ બોમ્બે હાઈકોર્ટમાં કરેલી અરજીના જવાબમાં એડવોકેટ જનરલે કોર્ટમાં ઉક્ત રજૂઆત કરી હતી.

 કોર્ટે નોંધ કરી હતી કે રામગીરી મહારાજના વિડિયો ઉતારી લેવા સંબંધી અરજીઓ અને એફઆઈઆર નોંધાવવાની  અરજીની સુનાવણી થઈ ચૂકી છે. અમે તેમને ભાષણ આપવાથી રોકી શકીએ નહીં પણ પોલીસ પગલાં લઈ રહી છે અને શક્ય ત્યાં એફઆઈઆર નોંધી રહી છે.રામગીરી અને એકનાથ શિંદે એક જ મંચ પર હોવાનો અર્થ એવો નથી કે એફઆઈઆર નોંધાવી જોઈએ. તમારો મુખ્ય મુદ્દો વિડિયો ઉતારવાનો  છે. તમે મુખ્ય મુદ્દાથી હટી જાવ ત્યારે રાજકીય મુદ્દો બની જાય છે.

પ્રતિવાદીની યાદીમાંથી શિંદેનું નામ દૂર કરવાનો આગ્રહ રાખીને એડવોકેટ જનરલે જણાવ્યંુ હતું કે આ રીતે કાર્યવાહી  શરૃ કરી શકાય નહીં. કોર્ટે સંમતિ દર્શાવીને અરજદાર પર દંડ લાદવાની ચિમકી આપી હતી. કોર્ટે નકવીને વિનંતી સુધારીને પ્રતિવાદીઓમાંથી પોલીસ સિવાયના નામ કાઢી નાખવાનું જણવાયું હતું. આ બાબતે વધુ સુનાવણી ૧૭ ઓક્ટોબર પર રખાઈ છે.

અરજદાર મોહમ્મદ વસી સય્યદે મોહમ્મદ પયગમ્બર વિશે સ્વયંઘોષિત ધર્મગુરુ મહંત રામગીરી મહારાજે કરેલી વાંધાજનક ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો. અરજદારે મુખ્ય પ્રધાન શિંદેએ ૧૬ ઓગસ્ટે આપેલા ભાષણને પણ ટાંક્યું હતું જેમાં તેમણે પોતે રાજ્યના મુખ્ય પ્રધાન છે ત્યાં સુધી કોઈ હિન્દુસંતને હાથ નહીં લગાવવાનું પોલીસને કહ્યું હતું.

આ રીતના નિવેદન સ્પષ્ટ રીતે ન્યાયસભર તપાસ સામે ચેતવણી અને અવરોધ છે, એમ અરજીમાં જણાવાયું છે.

રાણે સંબંધે અરજીમાં જણાવાયું હતું કે તે ગુનાખોરી માટે નામચીન છે. રાણેએ રામગીરી મહારાજના સમર્થનમાં અહેમદનગરમાં રેલી કાઢી હતી અને ઉશ્કેરણીજનક ભાષણ આપીને મુસ્લિમોને સમલિંગી કહ્યા હતા અને દરેક મસ્જિદમાં ઘૂસીને તેમને મારી નાખશે એવી ધમકી આપી હતી. 

સમાજમાં કોમી તિરાડ પાડવા  તથા રામગીરી મહારાજ સામે પગલાં લેવાથી પોલીસને ધમકાવવા બદલ ભારતીય ન્યાય સંહિતા અને માહિતી અને તંત્રજ્ઞાાન કાયદાની સંબંધીત જોગવાઈ  હેઠળ રાણે અને શિંદે સામે એફઆઈઆર નોંધવાની અરજદારે દાદ માગી છે. મુસ્લિમો સામે રાણેના ભાષણ અને રેલીનું જીવંત પ્રસારણ કરવાથી ઓથોરિટીને અટકાવવવાનો નિર્દેશ આપવાની પણ દાદ મગાઈ છે.

વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વાઈરલ થઈ રહેલી ઈસ્લામોફોબિક સાહિતને દૂર કરવાની પણ દાદ અરજીમાં માગવામાં આવી હતી.



Google NewsGoogle News