Get The App

6600 કરોડના બિટકોઈન પોન્ઝી સ્કેમમાં શિલ્પા-શેટ્ટી, રાજ કુન્દ્રાની 98 કરોડની સંપત્તિ જપ્ત

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
6600 કરોડના બિટકોઈન પોન્ઝી સ્કેમમાં શિલ્પા-શેટ્ટી, રાજ કુન્દ્રાની 98 કરોડની  સંપત્તિ જપ્ત 1 - image


શિલ્પા શેટ્ટીનો મુંબઈના જુહુ ખાતેનો ફલેટ,  પુણેનો બંગલો ,ઈક્વિટી શેરો સહિતની  મિલિકતો ઈડી દ્વારા જપ્ત 

2017ના ગેઈન બિટકોઈન પોન્ઝી સ્કેમ કૌભાંડના મની લોન્ડરિંગના પાસાંની તપાસમાં કાર્યવાહી

 રાજ કુન્દ્રાએ યુક્રેનમાં પોતાની બિટકોઈન માઇનિંગ કંપની શરુ કરવા  આ સ્કેમના કૌભાંડીઓ  પાસેથી 150 કરોડના 285 બિટકોઈન્સ મેળવ્યા હતા

મુંબઇ : ૬૬૦૦ કરોડના બિટ કોઈન સ્કેમમાં  વ્યવહારો બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ  રાજ કુન્દ્રાની  રૃા. ૯૮ કરોડની પ્રોપર્ટી તથા  ઇક્વિટી શેર જપ્ત કર્યા છે. ૨૦૧૭ના આ કૈૌભાંડમાં રોકાણકારો સાથે ૬૬૦૦ કરોડની છેંતરપિંડી થઈ હતી. રાજ કુન્દ્રાએ પોતાની બિટકોઈન માઈનિંગ કંપની શરુ કરવા માટે કૌભાંડીઓ પાસેથી ૨૮૫ બિટકોઈન્સ મેળવ્યા હતા. આ વ્યવહારોમાં મની લોન્ડરિંગ થયું હોવાની શંકાના આધારે ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી છે. રાજ કુન્દ્રા આ રીતે વધુ એક વખત કોઈ સરકારી એજન્સીની ચુંગાલમાં ફસાયો છે. અગાઉ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. આ ઉપરાંત ઈકબાલ મિર્ચી ગેંગ સાથે વ્યવહારોના કેસમાં પણ તેની ઈડી દ્વારા અગાઉ પૂછપરછ થઈ ચૂકી છે તથા સટ્ટા બેટિંગમાં સંડોવણી બદલ આઈપીએલમાંથી હકાલપટ્ટી સાથે પણ તે બદનામ થઈ ચૂક્યો છે. હવે દેશના અસંખ્ય રોકાણકારોનું કરોડોનું રોકાણ ઉસેડી જનારા કૌભાંડીઓ સાથે વ્યવહારો માટે તેની સંપત્તિ પર ટાંચ આવતાં બોલીવૂડનું આ સેલિબ્રિટી કપલ ફરી ગેરકાયદેસર વ્યવહારો માટે  ચર્ચામાં આવ્યું છે. 

ઇડી એ જપ્ત કરેલી રૃા. ૯૭.૭૯ કરોડની માલમત્તામાં જૂહુનો શિલ્પા શેટ્ટીના નામનો ફ્લેટ, પુણેનો બંગલો, કુન્દ્રાના નામે ઇક્વિટી શેરનો સમાવેશ છે, એમ ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

૨૦૧૭માં ગેઈન બિટકોઈન નામની પોન્ઝી   સ્કિમનં કૌભાંડ બહાર આવ્યું હતું. અજય અને મહેન્દ્ર ભારદ્વાજ નામના મુખ્ય આરોપીઓએ ગેઈન બિટકોઈન પોન્ઝી સ્કિમ ચાલુ કરી હતી. 

આ કૌભાંડમાં મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસ દ્વારા વેરિયેબલ ટેક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની, અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને સંખ્યાબંધ મલ્ટી લેવલ માર્કેટિંગ એજન્ટ વિરુદ્ધ   જુદી જુદી એફઆઈઆર થઈ હતી. બાદમાં ઔ કૌભાંડમમાં મની લોન્ડરિંગના પાસાંની તપાસ ઈડી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.  

આ કંપની તથા અમિત ભારદ્વાજ સહિતના આરોપીઓએ તથા જુદા જુદા એજન્ટો દ્વારા રોકાણકારોને  ૧૦ ટકા કે તેથી પણ ઉચ્ચ વળતરની લાલચ આપી  ૬૬૦૦ કરોડ રુપિયા જમા કરવામાં આવ્યા હતા. ૨૦૧૭ની બિટકોઈન્સનાં મૂલ્ય પ્રમાણે આ જમા થયેલી રકમ ૬૬૦૦ કરોડ રુપિયા હતી. રોકાણકારોને ક્રિપ્ટોના સ્વરુપે જ જંગી વળતર અપાશે તેવી લાલચ અપાઈ હતી. જોકે, આ સમગ્ર દાવા પોકળ સાબિત થયા હતા અને રોકાણકારોએ તેમની સંપત્તિ ગુમાવી હતી.  જેમ જેમ નવા રોકાણકારો આવતા જાય તે મ તેમ જૂના રોકાણકારોને વળતર ચૂકવાય તેવી સ્કિમ હતી. પરંતુ થોડા સમય બાદ કોઈ નવા રોકાણકાર આવ્યા ન હતા અને જૂના રોકાણકારોનું રોકાણ ફસાઈ ગયું હતું. 

ઈડીના આરોપ અનુસાર બિટકોઈન માઈનિંગ એટલે કે બ્લોકચેઈનમાં બિટકોઈનના ટ્રાન્ઝેક્શન કરવા કે નવા  બિટકોઈન્સ ઉમેરવા માટેની કંપની   યુક્રેન ખાતે સ્થાપવા માટે રાજ કુન્દ્રાએ  આ કૌભાંડના મુખ્ય સુત્રધાર અને ગેઈન બિટકોઈન પોન્ઝી સ્કેમના મુખ્ય સંચાલક અણિત ભારદ્વાજ પાસેથી  ૨૮૫ બિટકોઈન્સ મેળવ્યા હતા. દેખીતી રીતે જ અમિત ભારદ્વાજે કૌભાંડના ભાગરુપે આ બિટકોઈન્સ મેળવ્યા હતા અને તેમાંથી જ તેણે આ બિટકોઈન્સ રાજ કુન્દ્રાને આપ્યા હતા. આમ આ  સમગ્ર કૌભાંડમાં ગુનો આચરીને એકઠી કરાયેલી સંપત્તિ રાજ કુન્દ્રા પાસે આવી હતી. 

. ઇડીએ દાવો કર્યો હતો ક આ સોદો જોકે પાર પડયો ન હતો અને તેના કારણે  રાજ  કુન્દ્રા પાસે હજી પણ ૨૮૫ બિટકોઇન્સ છે એની કિંમત હાલમાં અંદાજે રૃા. ૧૫૦ કરોડથી વધુ છે. 

 ઇડીએ ગયા વર્ષે આ કેસમાં સિમ્પી ભારદ્વાજ, નીતિન ગૌર અને નિખિલ મહાજનની ધરપકડ કરી હતી. તેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં બંધ છે. ઇડીએ અગાઉ આ કેસમાં રૃા. ૬૯ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં બે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જૂન ૨૦૧૯માં પહેલી અને આ વર્ષે ફેબુ્રઆરીમાં બીજી ચાર્જશીટ દાખલ કરાઇ હતી.  મુખ્ય આરોપીઓ અજય ભારદ્વાજ અને મહેન્દ્ર ભારદ્વાજ હજુ નાસતા ફરે છે. 

રાજ  કુન્દ્રા અને શિલ્પા  શેટ્ટીના વકીલે જણાવ્યું  હતું કે  તેમના  ક્લાયન્ટસ સામે પ્રથમ દ્રષ્ટિએ કોઇ કેસ કરવામાં આવ્યો નથી. તેઓ તપાસ અધિકારીઓને સહકાર આપશે.  તેઓ તેમની સંપત્તિના રક્ષણ  માટે જરુરી કાયદાકીય પગલાં લેશે.



Google NewsGoogle News