સોશિયલ મીડિયા થકી શેરબજારમાં રોકાણમાં 63 લાખ ગુમાવ્યા
માટુંગાના યુવાન વ્યવસાયીને માઠો અનુભવ
ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈ વ્હોટસ એપ ગૂ્રપમાં જોડાયા, શરુઆતમાં ફાયદા બાદ જંગી રોકાણ કયુ
મુંબઇ : માટુંગાના એક વેપારી સાથે શેરબજારમાં રોકાણના નામે સાયબર ફ્રોડસ્ટરે રૃા.૬૩ લાખની છેતરપિંડી આચરી હતી. વેપારીએ સોશિયલ મીડિયા પર એક જાહેરાત જોઇ હતી અને એક એપ્લીકેશનની મદદથી શેરમાર્કેટમાં જંગી રોકાણ કર્યું હતું. જોકે વેપારી સાથે ઠગાઇ કરવામાં આવી હતી.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર માટુંગા (ઇ)માં રહેતા ૨૭ વર્ષના યુવાન વેપારી ભાઇ સાથે મળી એક એડ એજન્સી ચલાવે છે. ફરિયાદીએ દાવો કર્યો હતો કે તેઓએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોક માર્કેટની એક જાહેરાત જોઇ હતી. તેમણે આ જાહેરાત હેઠળ આપેલી લિન્કને ક્લિક કરતા તેઓ એક વોટ્સએપ ગુ્રપમાં એડ થઇ ગયા હતા. મુખર્જી નામની એખ વ્યક્તિએ 'ઇન્વેસ્ટર કલબ'માં તેમને સામેલ કર્યા હતા.
આ ગુ્રપમાં એડ થયા બાદ ફરિયાદી તેમા શેર થતા વિવિધ મેસેજ રસથી વાંચતા હતા. આ ગુ્રપમાં અમૂક લોકોએ શેરમાર્કેટમાં મેળવેલા નફા વિશે અવારનવાર પોસ્ટ મૂકતા હતા. આ લોકોની પોસ્ટ જોઇ ફરિયાદી પણ શેરબજારમાં રોકાણ માટે તૈયાર થયા હતા. તેમણે રોકાણ માટે રસ દર્શાવતા મુખર્જી નામની વ્યક્તિએ તેમને એક એપ ડાઉનલોડ કરવા જણાવ્યું હતું. ફરિયાદીએ આ એપ ડાઉનલોડ કરી ટ્રેડીંગ એકાઉન્ટ શરૃ કર્યું અને તેમના બેન્ક ખાતાની વિગતો આપી હતી.
શરૃઆતમાં ફરિયાદીએ ફક્ત ૫૦ હજારનું રોકાણ કર્યું હતું. તેમણે ખરીદેલા શેર પર તેમને સારું વળતર મળતા તેઓ ખુશ થયા હતા અને તેમને થયેલ પ્રોફિટમાંથી અમૂક રકમ પણ કઢાવી હતી. તેમને સારો નફો થતા તેઓ ખૂબ આકર્ષાયા હતા અને થોડા સમયબાદ ૫૦ લાખ રૃપિયાનું રોકાણ કર્યું હતું. આ વખતે પણ ૫૦ લાખના રોકાણ સામે એપમાં સારો નફો દર્શાવવામાં આવતો હતો. ફરિયાદીએ જ્યારે આ રકમ કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને એક મેસેજ આવ્યો હતો કે તેમનું ખાતુ લોક છે. ફરિયાદીએ ત્યારબાદ બેનર્જીનો સંપર્ક કરતા તેણે સ્ટોકમાં વધુ રોકાણ કરવાનું સુચવ્યું હતું અને તેમ કરવાથી ખાતુ અનલોક થઇ જશે તેવી સ્પષ્ટતા કરી હતી.
ફરિયાદીએ ત્યાર બાદ થોડા સમયમાં વધુ ૧૩.૫૦ લાખનું રોકાણ કરી કુલ ૬૩.૫૦ લાખ રોક્યા હતા. તેણે ફરીથી ખાતામાંથી રકમ કાઢવાનો પ્રયાસ કરતા ફરીથી ખાતુ લોક હોવાનો મેસેજ આવ્યો હતો. આ વખતે તેણે ફરીથી બેનર્જીનો સંપર્ક કરતા તેણે વધુ પાંચ લાખનું રોકાણ કરવા જણાવ્યું હતું. ફરિયાદીને ત્યારબાદ શંકા ગઇ હતી વિનંતિ કરી ખાતુ ખોલવા જણાવ્યું હતું. ઘણીવાર વિનંતી કર્યા બાદ પણ કોઇ દાદ ન મળતા ફરિયાદીએ માટુંગા પોલીસ સ્ટેશનમાં સંબંધિત વ્યક્તિ વિરૃદ્ધ ફરિયાદ કરતા પોલીસે આઇપીસી અને આઇટી એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.