પનેવલ-ખપોલી અને પેણ-કર્જત વચ્ચે 600 ચો. કિ.માં બનશે 3જુ મુંબઈ
એમટીએચએલ અને અન્ય યોજના પૂર્ણ થતાં જ
મુંબઈમાં નવા વિસ્તારો જોડીને એક નિયોજીત શહેર વિકસાવવાની યોજના આકાર લઈ રહી છે
મુંબઈ : એક સમયે સાત ટાપુઓનું શહેર ગણાતું મુંબઈ ઝડપથી વિસ્તરી રહ્યું છે. જમીનની મર્યાદાને કારણે ચાર દાયકા અગાઉ નવી મુંબઈનો વિસ્તાર કરાયો હતો. પણ હવે ત્રીજા મુંબઈની જરૃરીયાત ઊભી થતા તેના વિશે પ્લાનીંગ શરૃ થયું છે. નવી યોજનાઓ આકાર લઈ રહી હોવાથી પનવેલ-ખપોલી અને પેણ-કર્જત સુધીના છ તાલુકામાં નવું શહેર વિકસી શકે છે.
મુંબઈથી નવી મુંબઈ રાયગડને સમુદ્ર માર્ગે જોડનાર મુંબઈ ટ્રાન્સહાર્બર લિન્ક (એમટીએચએલ) શરૃ થયા બાદ ત્રીજા મુંબઈની યોજના પણ શરૃ થશે. વરિષ્ઠ અધિકારીઓના મતે નવી મંબઈ એરપોર્ટ ઈન્ફ્લ્યુઅન્સ નોટિફાઈડ એરિયા (નૈના વિસ્તાર)નો વિકાસ ત્રીજા મુંબઈ તરીકે ઝડપથી થશે. મુંબઈ અને નવી મુંબઈ પછી એમટીએચએલ સાથે જોડાયેલા રાયગડ જિલ્લાના ૨૭૦ ગામની જમીન સરકારે અગાઉથી જ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રભાવિત ક્ષેત્ર તરીકે જાહેર કરી છે. પનવેલથી ખપોલી અને પેણથી કર્જત સુધીના છ તાલુકામાં લગભગ ૬૦૦ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં અનેક યોજનાઓ આકાર લઈ રહી છે.
મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક ઉપરાંત ખારકોપર ઉરણ લોકલ ટ્રેન કોરિડોર, મેટ્રો, નવી મુંબઈ એરપોર્ટ વગેરે મોટા પ્રોજેક્ટ ચાલુ છે. એના કારણે ડેવલપરોનું ધ્યાન પણ આ વિસ્તાર પ્રત્યે ખેંચાયુ છે. કોઈપણ ક્ષેત્રના વિકાસ માટે જમીન, પાણી, રસ્તા અને વીજળી જરૃરી હોય છે અને આ તમામ વસ્તુ અહીં ઉપલબ્ધ છે.
એમએમઆરડીએના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર મુંબઈ, નવી મુંબઈ, પુણે અને અલીબાગનો વિકાસ ચતુર્ભુજના સ્વરૃપમાં કરવાની યોજના છે. મુંબઈમાં નવા ક્ષેત્રો ઉમેરીને તેને એક નિયોજીત શહેર તરીકે વિક્સાવવાની અપેક્ષા રખાઈ રહી છે.
સિડકોના મતે નવી મુંબઈ એરપોર્ટ સંબંધિત અનેક પરિયોજનાઓ શરૃ થઈ ગઈ હોવાથી ત્રીજા મુંબઈનો વિકાસ સરળ થઈ જશે.
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે, મુંબઈ-ગોવા રોડ, ન્હાવા શેવા સી લિંક આ ક્ષેત્રના વિકાસમાં સહાયક સાબિત થશે. નૈનાથી કનેક્ટિવિટી માટે એમટીએચએલ, ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ, થાણે-ક્રીક બ્રિજ ઉપરાંત રોડ અને વોટરવે પણ બનશે જેમાં એક જેટ્ટી એરપોર્ટનો હિસ્સો હશે. આ જેટ્ટી મુંબઈના ભાઉચા ધક્કા સાથે જોડાશે.
શહેરના અનેક ડેવલપરો આ વિસ્તારના વિકાસ માટે રસ લઈ રહ્યા છે. તેમના મતે સરકારના હાઉસિંગ સેક્ટરમાં એફોર્ડેબિલિટી લાવવાના પ્રયાસમાં આ ક્ષેત્રનો વિકાસ ગેમ ચેન્જર સાબિત થશે.