Get The App

માલવણીમાં ઘર ખરીદવા ઇચ્છુક 60 મહિલાઓ સાથે રૃા. 2.4 કરોડની છેતરપિંડી

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
માલવણીમાં ઘર ખરીદવા ઇચ્છુક 60 મહિલાઓ સાથે રૃા. 2.4 કરોડની છેતરપિંડી 1 - image


ઘરકામ કરતી અને ગરીબ મહિલાઓને સસ્તા ઘરની લાલચ આપી

60 મહિલાઓ પાસેથી બુકીંગને નામે રૃા. 4 લાખની રકમ સ્વીકારી

મુંબઇ :  માલવણી પોલીસે ગરીબ અને ઘરકામ કરતી મહિલાઓને સસ્તા ઘર આપવાને બહાને તેમની સાથે છેતરપિંડી આચરનાર બે ભાઇઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આ બાબતે વધુ  તપાસ હાથ ધરી છે. આ ભાઇઓએ ૬૦ મહિલાઓ સાથે રૃા. ૨.૪ કરોડની છેતરપિંડી આચરી હતી. આરોપી અવિનાશ અને પ્રમોદે આ રીતે અન્ય કોઇ સાથે આવી જ છેતરપિંડી તો આચરી નથી ને તેની વધુ તપાસ પોલીસ કરી રહી છે.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર મલાડના મઢ વિસ્તારમાં રહેતી અહીંની જ અમૂક સ્થાનિક મહિલાઓએ એક મહિલા ગુ્રપ બનાવ્યું હતું. આ ગુ્રપ વિવિધ- નાના મોટા કામ કરી મહિલાઓના ઉત્કર્ષ માટે પ્રયત્ન શીલ હતું. આ દરમિયાન આઠ વર્ષ પહેલા મહિલા ગુ્રપની એક મેમ્બરની ઓળખાણ એક કોમન ફ્રેન્ડની મદદથી આ બંને ભાઇઓ સાથે થઇ હતી અને તેમણે ગુ્રપની મહિલા મેમ્બરો માટે એક સસ્તા ઘરની  સ્કીમ રજૂ કરી હતી. આ લોકોએ મહિલાઓને સસ્તા ઘરની સ્કીમ જ્યાં બનાવવાના છે તે જગ્યા પણ દેખાડી હતી. આ સમયે આ બંને ભાઇઓએ મહિલાઓને સ્કીમમાં ઘર લેવા અરજીઓ ભરવાનું કહ્યું હતું.

આ સસ્તા ઘરની યોજનામાં ૬૦ મહિલાઓએ અરજી કરી હતી અને પ્રત્યેક મહિલાએ ચાર લાખની રકમ અરજી સાથે આપી હતી. આ તમામનો આંકડો મળી કુલ રૃા. ૨.૪ કરોડ થઇ ગયો હતો. આ મહિલાઓએ આ રકમ  આપ્યા બાદ પણ તેમને આપેલા સમય પ્રમાણે ઘરનો કબજો મળ્યો નહોતો કે તેમણે આપેલી મૂળ રકમ પણ પાછી મળી નહોતી. એવું જાણવા મળ્યું હતું કે બંને ભાઇઓેએ મહિલાઓને છેતરવા બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા.

મહિલાઓને તેમની સાથે ઠગાઇ થઇ હોવાનું જાણમાં આવતા તેમણે માલવણી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે સત્યતાની ચકાસણી કર્યા બાદ પોલીસે બંને ભાઇઓ સામે આઇપીસીની કલમ ૪૦૬ (ગુનાહિત વિશ્વાસભંગ) ૪૨૦ (છેતરપિંડી) ૪૬૫ (બનાવટ) ૪૭૧ (નકલી દસ્તાવેજને અસલી બતાવવા) અને ૩૪ (સમાન ઇરાદા) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બાબતે એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુનો નોંધાવાની જાણ થતા જ બંને ફરાર થઇ ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બંનેએ શરૃઆતમાં બેથી ત્રણ મહિલાઓને ઘર આપતા અન્ય મહિલાઓને વિશ્વાસ બેઠો હતો પણ પછીથી આ લોકો મહિલાઓને ઘર આપી શક્યા નહોતા છેતરાયેલી મહિલા ગરીબ તબક્કામાંથી આવે છે. અને ઘરકામ આદી કરી ઘરનું ગુજરાન ચલાવે છે. આ બંનેને નોટીસ આપી તેમને સામે કાયદેસર કામ હાથ ધરાશે તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી.



Google NewsGoogle News