મુંબઈ મહાપાલિકાનું 60 હજાર કરોડનું બજેટ, ધારણા મુજબ કોઈ નવો વેરો નહીં

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
મુંબઈ મહાપાલિકાનું 60 હજાર કરોડનું બજેટ, ધારણા મુજબ કોઈ નવો વેરો નહીં 1 - image


સત્તાધારી યુતિને રાજકીય ફાયદો કરાવવા અધિકારીઓનું ચૂંટણી લક્ષી બજેટ

ગત વર્ષ કરતાં બજેટ 10 ટકા વધ્યું : કોસ્ટલ રોડ માટે 4200 કરોડ, રોડ માટે 3200 કરોડ, આરોગ્ય માટે 1700 કરોડની ફાળવણી

પાલિકાની આવક 33000 કરોડ, બાકીનાં નાણાં સરકારી અનુદાન તથા ડિપોઝિટોનાં વ્યાજ સહિતના સ્ત્રોતમાંથી ઊભાં કરાશે

મુંબઇ :  મુંબઈ મહાપાલિકાનું ૫૯,૯૫૪.૭૫ કરોડનું બજેટ મહાપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે આજેરજૂ કર્યું હતું. મહાપાલિકામાં હાલ કોઈ ચૂંટાયેલી પાંખ નથી અને વહીવટદાર મારફત રાજ્ય સરકારનો જ સીધો અંકુશ હોવાથી રાજ્યની સત્તાધારી યુતિના ફાયદા માટે અધિકારીઓએ ચૂંટણી લક્ષી બજેટ રજૂ કરી કોઈ નવા કરદરવધારા સૂચવ્યા નથી અને બીજી તરફ વિવિધ વિકાસ યોજનાઓ માટે જંગી રકમની ફાળવણી કરી છે. મહાપાલિકાની આવક કરતાં વધારે ખર્ચ સૂચવતાં બજેટ માટે બાકીનાં નાણાં પાલિકાની જૂની ડિપોઝિટો તથા આતરિક સ્ત્રોતો, લોન અને રાજ્ય સરકારના અનુદાન દ્વારા ઊભાં કરાશે તેમ જણાવાયું છે. આ બધી ગોઠવણ પછી પણ  મહાપાલિકાના બજેટમાં ૫૮.૨૨ કરોડની પુરાંત રહેશે તેમ જણાવાયું છે. 

ગયાં વર્ષે પાલિકાનું બજેટ ૫૨૬૧૯.૦૭ કરોડ હતું. આમ આ વખતે ૧૦.૫૦ ટકા વધારે બજેટ રજૂ કરાયું છે. વર્ષ ૧૯૮૫ પછી ત્રીજી વાર સ્થાયી સમિતિની ગેરહાજરીમાં રજૂ થયેલાં બજેટમાં આરોગ્ય, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રકચર, બ્યુટિફિકેશન સહિતની બાબતો પર ફોક્સ કરાયું છે. 

બજેટના આંકડા જોતાં પાલિકાના ઇતિહાસમાં પણ એવું ફરી બન્યું છે કે પાલિકાએ વિવિધ વિકાસના કામ એટલે મૂડી ખર્ચનો હિસ્સો આવકના હિસ્સા કરતાં વધવાનો અંદાજ સેવાયો છે.  પાલિકાએ ૫૯,૮૯૬.૫૩ રૃપિયાના બજેટના ૫૩ ટકા વિવિધ વિકાસના કામ પાછળ એટલે કે ૩૧૭૭૪.૫૯ જ્યારે ૪૭ ટકા એટલે કે ૨૮૧૨૧.૯૪ કરોડ રૃપિયા પ્રશાસકીય ખર્ચમાં થશે. 

મૂડી ખર્ચમાં સુચવાયેલાં કામોમાં મુખ્યત્વે ં કોસ્ટલ રોડ પાછળ ૪૨૫૦ કરોડ રૃપિયા, ટ્રાફિક અને રોડ પાછળ ૩૨૦૦ કરોડ રૃપિયા, સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ગંદા પાણી પર પ્રક્રિયા) પાછળ ૪૦૯૦ કરોડ રૃપિયા, પાણી પુરવઠા પાછળ ૩૪૨૦ કરોડ રૃપિયા, વરસાદી પાણીના નિકાલ પાછળ ૧૯૩૦.૬૧ કરોડ રૃપિયા, પુલના નિર્માણ અને સમારકામ પાછળ ૧૬૧૦ કરોડ રૃપિયા, આરોગ્ય સેવા પાછળ ૧૭૧૬.૮૫ કરોડ રૃપિયા, ગોરેગામ- મુલુંડ લિંક રોડ પાછળ ૧૮૭૦ કરોડ રૃપિયા, ડેવલપમેન્ટ પ્લાન પાછળ ૮૦૦ કરોડ રૃપિયા, આશ્રય યોજના અંતર્ગત સાફસફાઇ ખાતાના કર્મચારી માટે વસાહત અને પુનર્વિકાસ માટે ૧૦૫૫ કરોડ રૃપિયા, પાલિકાની મિલકતોના સમારકામ પાછળ ૫૩૧.૫૩ કરોડ રૃપિયા, ઘનકચરા વ્યવસ્થાપન પરિવહન તથા પ્રોજેક્ટ માટે ૪૫૯.૯૮ કરોડ રૃપિયા, પ્રાથમિક શાળાના સમારકામ માટે ૩૩૦.૧૯ કરોડ રૃપિયા, તથા અન્ય કામ માટે ૪૫૭૭.૪૩ કરોડ રૃપિયાની જોગવાઇ કરી છે.

જ્યારે પાલિકાની આવક ૩૬૬૪૪ કરોડ રૃપિયા  રહેવાનો અંદાજ અપાયો છે. આ આવક જકાત પેટે સરકાર નુકસાની પેટે અનુદાન ૧૩૩૩૧.૬૩ કરોડ રૃપિયા આપશે. ડેવલપમેન્ટ પ્લાન વિભાગ તરફથી ૫૮૦૦ કરોડ રૃપિયા, પ્રોપર્ટી ટેક્સ થકી ૪૯૫૦ કરોડ રૃપિયા, પાણી અને સિવરેજ ટેક્સ દ્વારા ૧૯૨૩.૧૯ કરોડ રૃપિયા, બેંકમાં મૂકાયેલી ફિક્સ ડીપોઝીટના વ્યાજ પેટે ૨૨૦૬.૩૦ કરોડ રૃપિયા, સુપર વિઝન ચાર્જ પેટે ૧૬૮૧.૫૧ ટકા, રસ્તા અને પુલથી ૫૦૮ કરોડ રૃપિયા, રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ પેટે ૧૨૪૮.૯૩ કરોડ રૃપિયા, લાઇસન્સ થકી ૩૨૪.૪૯ કરોડ રૃપિયા, હોસ્પિટલ અને મેડિકલ કોલેજ થકી ૩૩૭.૫૨ કરોડ રૃપિયા તથા અન્ય આવક ૪૩૩૧.૭૨ કરોડ રૃપિયા પ્રાપ્ત  થવાનો અંદાજ છે. 

આ સિવાય ખર્ચ કરવા સ્પેશિયલ ફંડમાંથી ૧૦૮૭૮.૩૩ કરોડ રૃપિયા, ઇન્ટરનલ ટેમ્પરરી ટ્રાન્સફર થકી ૧૧૬૨૭.૨૪ કરોડ રૃપિયા જમીન ઇમારતના અધિમૂલ્યવાન થકી ૩૧૨ કરોડ રૃપિયા અને ગ્રાન્ટ થકી ૨૪૩.૩૫ કરોડ રૃપિયા તેમજ અન્ય પરચુરણ આવક ૧૮.૬૦ કરોડ રૃપિયા મેળવાશે એમ પાલિકા કમિશનરે જણાવ્યું હતું. 

પાલિકાએ વાયુપ્રદૂષણ સામે લડવા માટે આ વર્ષે આબોહવા બજેટ વિકસાવવાની દરખાસ્ત પણ કરી હતી. જે શહેરની પ્રથમ ગ્રીન બજેટ બુક હશે. પાલિકા ૧૬૦૦ જેટલા મહિલા બચત ગટ (સ્વસહાય)ના પ્રત્યેક જૂથોને એક લાખ રૃપિયાની નાણાકીય સહાય આપવા ૧૬૦ કરોડ રૃપરિયાની જોગવાઇ કરી છે. 

પાલિકાએ આરોગ્ય વિભાગ માટે બજેટમાં ૭૧૯૧.૧૩ કરોડ રૃપિયાની જોગવાઇ કરી છે. જે કુલ બજેટના ૧૨ ટકા છે. 'આરોગ્ય કુટુંબ' યોજનાને વધુ મજબૂત કરવા માટે એક વ્યાપક સંભાળ કાર્યક્રમ 'મુખ્યમંત્રી આરોગ્ય આપલ્યા દારી' આયોજન કરવામાં આવ્યું છે. પાલિકાની હોસ્પિટલમાં પ્રાયોગિક ધોરણે કેન્સર નિવારણ મોડલ અને હૃદયના કાયાકલ્પની સ્થાપના કરવામાં આવશે.



Google NewsGoogle News