જીવ બચાવનારી એરબેગની જ પછડાટ વાગતાં 6 વર્ષના બાળકનું મોત
રાત્રે બહાર પાણીપુરી ખાવા નીકળેલા પરિવારને અકસ્માત
એક કારનું ટાયર નીકળીને પાછળની કારના બોનેટ સાથે અથડાયું, તેના કારણે એરબેગ ખુલી ગઈ, નાનાં બાળકોને ફ્રન્ટ સીટમાં નહિ બેસાડવાની અગાઉ પણ ચેતવણીઓ અપાઈ છે
મુંબઈ : નવી મુંબઈના વાશી વિસ્તારમાં એસયુવી કારે નિયંત્રણ ગુમાવતા તેનું પાછળનું ટાયર નીકળી જતા તે અન્ય કારના બોનેટ સાથે અથડાતા કારની એરબેગ ખુલ્લી ગઈ હતી. પાછળની કારમાં ફ્રન્ટ સીટ પર બેઠેલા છ વર્ષના બાળકને એરબેગની પછડાટ વાગતાં તેનું મોત નીપજ્યું હતું. વાશી પોલીસે આ મામલે આગલી કાર ચલાવી રહેલા ઘણસોલીના ડોક્ટર સામે ગુનો દાખલ કર્યો હતો.
છ વર્ષીય હર્ષના પિતા ૩૫ વર્ષીય માવજી અરેઠિયા મસ્જિદ બંદરમાં સ્ટેશનરીની દુકાન ચલાવે છે. તે વાશી સેક્ટર ૧૫માં તેમના ભાઈ સાથે રહે છે. શનિવારે મોડી રાત્રે ઘરે પરત ફર્યા બાદ માવજીનો પુત્ર હર્ષ અને તેના ત્રણ ભત્રીજાઓએ પાણીપુરી ખાવાની જીદ્દ કરી હતી.
તેથી માવજી અરેઠિયા શનિવારે રાત્રે વેગન આર કારમાં તેના છ વર્ષના પુત્ર હર્ષને આગળની સીટ પર બેસાડી અને તેના ત્રણ ભત્રીજાઓને કારમાં પાછળ બેસાડીને પાણીપુરી ખાવા બહાર આવ્યા હતા.
જેમાં બ્લુ ડાયમંડ હોટલ જંક્શન પાસે પહોંચતા. સામેથી આવતી એસયુવી કારના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા કાર રોડ ડિવાઈડ સાથે અથડાઈ હતી.આ બાદ એસયુવીનું પાછળનું ટાયર નીકળી જતા તે સીધું માવજી અરેઠિયાની ની કારના બોનેટ સાથે અથડાયું હતું.
આ ટક્કર એટલી જોરદાર હતી કે આના કારણે વેગેનરની બંને એરબેગ્સ ખુલ્લી ગઈ હતી. આથી ફ્રન્ટ સીટમાં બેઠેલા હર્ષને જોરદાર ટક્કર વાગી હતી અને તે બેભાન થઈ ગયો હતો. આ ઘટના બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે, તબીબી તપાસ દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
વધુમાં તબીબી તપાસ દરમિયાન હર્ષને કોઈ બાહ્ય ઈજા થઈ ન હતી. માનસિક આઘાત અને જોરદાર ટક્કરને કારણે ઘણું લોહી વહી જવાને કારણે તેનું મોત નીપજ્યુ ંહોવાની ડોક્ટરોને શંકા છે.
આ ઘટના બાદ પોલીસે એસયુવી ડ્રાઈવર કોસ્મેટિક સર્જન ૪૦ વર્ષીય ડો. વિનોદ પચાડે સામે બેદરકારીથી ડ્રાઈવીંગ કરવા બદલ મોટર વ્હીકલ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને તેની અટકાયત કરી હતી. જોકે, ડો. પચાડે અકસ્માત થયા બાદ તરત જ પોલીસ મથકે પહોંચ્યા હતા અને અકસ્માતની જાણ કરી પોતાનું નિવેદન આપ્યું હતું.
આ અંગે હર્ષના પિતાના જણાવ્યા મુજબ, રાત્રે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ મારી કારની સામે એક એસયુવીએ નિયંત્રણ ગુમાવ્યું હતું અને રસ્તાની વચ્ચે અથડાઈ હતી. આ દરમિયાન મેં બ્રેક મારી હતી. જો કે, એસયુવીનો કારનો પાછળનો ભાગ હવામાં છથી સાત ફૂટ ઉંચો થઈ જતા તેની પાછળનું ટાયર નીકળી જતા તે મારી કારના બોનેટ સાથે અથડાયું હતું. તેથી મારી કારની એરબેગ તરત જ ખુલ્લી ગઈ હતી. જેથી હર્ષ ઘાયલ થઈ ગયો હતો અને માનસિક આઘાત લાગતા તેનું મોત થયું હતું.