ગઢચિરોલી પાસે વૈનગંગા નદીમાં હોડી ઉંધી વળી જતા 6 મહિલા ડૂબી
7 મહિલાઓમાંથી માત્ર 1ને જ બચાવી શકાઈ
નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી વહેણ વધ્યું હતું : મરચાંના ખેતરમાં કામ કરવા જતી શ્રમિક મહિલાઓ ભોગ બની
મુંબઇ : ગઢચિરોલી પાસે વૈનગંગા નદીમાં એક નાની હોડી ઉંધી વળી જતા છ મહિલા પાણીમાં ડૂબી ગઇ હતી. આ ઘટના આજે સવારે ચાર્મોશી તાલુકાના ગણપૂર ગામ પાસે બની હતી. આ મહિલાએ બે નાની હોડીમાં બેસી રાબેતા મુજબ નદીના એક છેડાથી બીજે છેડે ચંદ્રપુર જિલ્લામાં ખેતરમાં મજૂરી કામ કરવા જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર મજૂર મહિલાએ દરરોજ વૈનગંગા નદી પાર કરી સામે કાઠે મરચાના ખેતરમાં કામ કરવા જતી હોય છે. આજે સવારે પણ મહિલાઓ મજૂરી કામ કરવા બે નાની હોડીમાં બેસી સામા કાંઠે ચંદ્રપુર જિલ્લામાં કામે જવા નીકળી હતી. આજે આ વિસ્તારમાં વાતાવરણ વાદળીયું હતું અને પાસેના ચિચડોહ પ્રોજેક્ટમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાથી નદીમાં પાણીનું સ્તર પણ ખૂબ વધેલું હતું દરમિયાન હોડી નદીના મધ્ય ભાગમાં આવી હાલક-ડોલક થવા માંડી હતી અને એક બાદ એક એમ બન્ને નાની હોડી ઉંડા પાણીમાં ઉંધી વળી ગઇ હતી. આ સમયે હોડીમાં બેઠેલી છએ છ મહિલા ઉંડા પાણીમાં ગરક થઇ ગઇ હતી.
આ દરમિયાન હોડી ચાલકો તરતા કિનારે આવી ગયા હતા. અને દુર્ઘટનાની જાણ કરતા ગામવાસીઓ અને ત્યારબાદ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે ધસી આવી હતી અને સ્થાનિક માછીમારોની મદદથી ડૂબી ગયેલી મહિલાઓને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન કાર્ય હાથ ધર્યું હતું.
જોકે મોડીરાત્રે દુર્ઘટનામાં જીજાબાઇ દાદાજી રાઉત, પુષ્પા મુક્તેશ્વર ઝાડે, રેવંતા ઝાડે, માચાબાઇ રાઉત, સુષ્મા રાઉત, બુધાબાઇ રાઉતના ડૂબી જવાથી મોત થયા હોવાનું કહેવામાં આવે છે. આ દુર્ઘટનામાં સારુબાઇ કસ્તુરે મોતને હાથતાળી આપી બચી જવામાં સફળ રહી હતી.