નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી કંપનીમાં બ્લાસ્ટમાં 5 યુવતી સહિત 6નાં મોત
વિસ્ફોટ બાદ ફેક્ટરી માલિક અને મેનેજર પલાયન
પેકેજિંગ યુનિટમાં કામગીરી ચાલતી હતી ત્યારે અતિશય પ્રચંડ વિસ્ફોટના કારણે ફેક્ટરીની દીવાલ તૂટી અને છત ઊડી ગઈ
મુંબઇ : મુંબઈ નજીકનાં ડોંબિવલીમાં ં ફેક્ટરીમાં વિસ્ફોટ અને આગની ઘટના લીધે ચકચાર જાગી છે, ત્યાં નાગપુરમાં આજે વિસ્ફોટક બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થતા છ કામદાર મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. જ્યારે ત્રણને ગંભીર ઈજા થઈ હતી. મૃતકમાં પાંચ મહિલાનો સમાવેશ છે. ધડાકો એટલો જોરદાર હતો કે કંપનીની દીવાલ તૂટી પડી અને છત ઊડી ગઈ હતી.
કામદારોના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવતા ભીડના લીધે અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બનાવ બાદ કંપનીના મેનેજર અને માલિક ફરાર પોલીસે મામલાની નોંધ લઈ વધુ તપાસ આદરી છે.
નાગપુરના હિંગણા તાલુકા ખાતે ધામણા ગામમાં ચામુંડા એક્સપ્લોઝિવ પ્રાઇવેટ લિમિટેડમાં બપોરે ૧.૦૦ વાગ્યે આ ઘટના બની હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 'ફેક્ટરીમાં પેકેજિંગ યુનિટમાં કામદારો કામ કરી રહ્યા હતા. તે સમયે જોરદાર સ્ફોટ થયો હતો. જેના લીધે દીવાલ અને છત તૂટી પડી હતી.
બનાવને લીધે અફરાતફરી મચી ગઈ હતી. હિંગણા પોલીસ રેસ્ક્યુ ટીમ સાથે તાત્કાલિક બચાવ કામગીરી માટે પહોંચી ગઈ હતી.
અહીં કામ કરતા પ્રાંજલી મોધે (ઉં. વ. ૨૨), પ્રાચી ફાળકે (ઉં. વ. ૨૦), વૈશાલી ક્ષીરસાગર (ઉં. વ. ૨૦), મોનાલી અલોને (ઉં. વ. ૨૭), પન્નાલાલ બંડેવાર (ઉં. વ. ૫૦), શીતલ ચપટ (ઉં. વ. ૩૦), દાનસા મનસકોલ્હે (ઉં. વ. ૨૬), શ્રદ્ધા પાટીલ (ઉં. વ. ૨૨), પ્રમોદ ચાવરે (ઉં. વ. ૨૫) ગંભીરપણે જખમી થયા હતા. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ પાંચ મહિલા સહિત છ કામદારના મોત નિપજ્યા હતા.
આ બનાવ બાદ ફેક્ટરીના માલિક અને મેનેજર પલાયન થઈ ગયા હતા. વિસ્ફોટની માહિતી મળતા કાટોલના ધારાસભ્ય અનિલ દેશમુખ તેમના સમર્થક સાથે બનાવની જગ્યાએ પહોંચી ગયા તા. તેમણે રેસ્ક્યુ ઓપરેશન ઝડપી બનાવવા કહ્યું હતું.
ભાજપના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનું સ્વાગત કરવા માટે આજે અહીં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રદ કરવાની ગડકરીએ પક્ષના કાર્યકરોને અપીલ કરી હતી.
ગડકરીએ સોશિયલ મિડિયા દ્વારા બનાવ માટે શોકની લાગણી વ્યક્ત કરી હતી.