કાર તળાવમાં ખાબકતાં 1 પરિવારના 6નાં મોત
2 વર્ષની પૌત્રીની બર્થ ડે મનાવી પાછા ફરતા હતા
મુંબઇ - સાંગલીમાં બે વર્ષીય પૌત્રીના જન્મ દિવસની ઉજવણી કરીને પાછા આવી રહેલા એન્જિનિયરના પરિવારની કાર તળાવમાં પડી જતા છ જણ મોતને ભેટયા હતા. દુર્ઘટનામાં પતિ, પત્ની , પુત્રી, ત્રણ પૌત્રીએ જીવ ગુમાવ્યો હતો. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે.
કાર પરથી કાબુ ગુમાવતાં અકસ્માતઃ પતિ, પત્ની, પુત્રી, ત્રણ પૌત્રીનો સમાવેશ
સાંગલીના તાસગાવમાં એન્જિનિયર રાજેન્દ્ર પાટીલ તેમના પરિવાર સાથે રહેતા હતા તેઓ કવકેમહાકાળના કોકળે ખાતે પૌત્રી બે વર્ષીય રાજવીના બર્થ-ડે પાર્ટીમાં ગયા હતા. પછી કારમાં કુટુંબીજનો સાથે તાસગાવ ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે તાસગાવથી મણેરાજુરી માર્ગ પર તાકારી યોજના પાસે ગઇકાલે રાતે અંદાજે ૧.૦૦ વાગ્યે રાજેન્દ્ર પાટીલે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે કાર તળાવમાં ખાબકી હતી. અકસ્માતમાં રાજેન્દ્ર પાટીલ (ઉ.વ.૫૬), તેમની પત્ની સુજાતા (ઉ.વ.૫૨) પુત્રી પ્રિયંકા અવધૂત ખરાડે (ઉ.વ.૩૦), ત્રણ પૌત્રી પાંચ વર્ષીય દુર્વા અવધૂત ખરાડે, એક વર્ષીય કાર્તિકી, બે વર્ષીય રાજવીનું મોત નિપજ્યું હતું. આ દુર્ઘટનામાં રાજેન્દ્રની બીજી પુત્રી સ્વપ્નાલી વિકાસ ભોસલે જખમી થઇ હતી.
પોલીસે આજે સવારે ઘટનાસ્થળે જઇ તપાસ આદરી હતી તેમણે છ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધા હતા.
અકસ્માતમાં બચી ગયેલી સ્વપ્નાલીએ આખી રાત કારમાં મૃતદેહ સાથે વિતાવી
કાર તળાવમાં પડી જતા છના મોત અને સ્વપ્નાલી વિકાસ ભોસલેને ઇજા થઇ હતી. ગઇકાલે રાતે અકસ્માત થયા બાદ અંધારામાં કોઇને બનાવની જાણ થઇ નહોતી. દુર્ઘટનામાં બચી ગયેલી સ્વપ્નાલીએ કારમાં પરિવારજનોના મૃતદેહ સાથે આકી રાત વિતાવી હતી.
આજે સવારે સાડા છ વાગ્યે સ્થાનિક લોકો અહીથી પસાર થયા હતા ત્યારે તેમણે તળાવમાં કાર જોઇ હતી. પછી પોલીસને માહિતી આપવામાં આવી હતી. સ્થાનિક રહેવાસી અને પોલીસની મદદથી સ્વપ્નાલીને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.