ટીવી અને ફિલ્મોની અભિનેત્રી અંજલિ પાટીલ સાથે 6 લાખની છેતરપિંડી
પાર્સલમાં ડ્રગ્સ આવ્યું હોવાનું જણાવી
સાયબર ક્રાઇમ પોલીસે આ જાતની છેતરપિંડીથી સાવધ રહેવા કરેલી અપીલ
મુંબઇ : અંધેરી (વે)ના ગિબ્લર્ટ હિલ રોડ વિસ્તારમાં રહેતી ટીવી અને ફિલ્મોની અભિનેત્રી અંજલિ પાટિલે કુરિયર ફ્રોડમાં રૃા.૫.૭૯ લાખની રકમ ગુમાવી હતી. ફરિયાદી પાટિલને ફ્રોડસ્ટરોએ ફોન કરી તેના નામે પાર્સલ આવ્યું હોવાનો દાવો કર્યો હતો અને પાર્સલમાં ડ્રગ્સ હોવાનું જણાવી પૈસા પડાવ્યા હતા.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર ફરિયાદી અંજલિ પાટિલ હિન્દી, તેલુઘું અને તમિલ ફિલ્મોમાં-સિરિયલમાં કામ કરે છે. ૨૮ ડિસેમ્બરના તેમને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. આ વ્યક્તિએ પોતે એક જાણીતી આંતરરાષ્ટ્રીય કુરિયર કંપનીનો કર્મચારી હોવાની ઓળખ આપી તાઇવાનથી તેમના નામે એક પાર્સલ આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ વ્યક્તિએ વધુમાં જણાવ્યું હતું કે તેમના નામે આવેલ પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું હોવાથી કસ્ટમ વિભાગે પાર્સલ જપ્ત કરી લીધું હતું. આ પાર્સલની અંદર તેમના આધારકાર્ડની કોપી પણ મળી આવી છે. કોઇએ તેમના આધારકાર્ડનો દુરુપયોગ કર્યો છે તેથી મુંબઇ પોલીસના સાયબર ક્રાઇમ વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
આ કોલ પુરો થયા બાદ તરત જ પાટિલને સ્કાઇપ પર બીજો કોલ આવ્યો હતો જેમાં કોલ કરનાર વ્યક્તિએ તે મુંબઇ સાયબર ક્રાઇમ વિભાગનો અધિકારી હોવાનું જણાવ્યું હતું. આ વ્યક્તિએ જણાવ્યું હતું કે તેમનું આધારકાર્ડ ત્રણ બેન્ક એકાઉન્ટ સાથે કનેકટ કરી મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કોલ કરનાર વ્યક્તિએ વેરિફિકેશનની પ્રોસેસિંગ ફી પેટે ૯૬ હજાર રૃપિયાની માગણી કરી હતી. આ ઘટનાથી ગભરાઇ ગયેલ અંજલિએ આ રકમ ફ્રોડસ્ટરને જી-પે થી મોકલી આપી હતી. ત્યાર બાદ આ કેસમાં બેન્ક અધિકારીઓની પણ સંડોવણી વ્યક્ત કરવાની સાતે જ અભિનેત્રી પાસેથી વધુ ૪.૮૩ લાખની રકમ પડાવી લીધી હતી. આ ઘટના બાબતે અભિનેત્રીએ તેના મકાન માલિક સાથે વાત કરી ત્યારે તેણે આ ઘટના બાબતે શંકા વ્યક્ત કરી આ છેતરપિંડીનો પ્રકાર હોઇ શકે તેવી શંકા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ અભિનેત્રની પણ છેતરાયાની શંકા જતા તેણે આ બાબતે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ કરતા ડીએન નગર પોલીસે આઇપીસીની કલમ ૪૧૯, ૪૨૦ અને આઇટીએક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અવારનવાર બનતા આવાં છેતરપિંડીના કિસ્સાને લીધે સાયબર ક્રાઇમ પોલીસે લોકોને ખૂબ જ સાવધ રહેવાની ચેતવણી આપી છે.