મુંબ્રાના માજી નગરસેવકના ચાર પુત્ર સહિત છને સાત વર્ષની જેલ
નજીવી બાબતે દુકાનમાલિક સહિત ત્રણની હત્યાના પ્રયાસનો ગુનો
તમામ આરોપો પુરવાર થયાની નોંધ કરીને દરેકને રૂ. ૨૬ હજારનો દંડ ફટકારાયો
મુંબઇ: થાણે જિલ્લાની કોર્ટે ભૂતપૂર્વ નગરસેવકના ચાર પુત્રો સહિત છ જણને ૨૦૧૨ના હત્યાના પ્રયાસના કેસમાં સાત વર્ષની જેલની સજા ફટકરી છે. એડિશનલ સેશન્સ જજ પ્રેમલ વિઠલાનીએ દરેક પર રૂ. ૨૬ હજારનો દંડ પણ લાદ્યો છે.
કસૂરવારોમાં રઈસ ઈદ્રીસ અન્સારી (૪૬), મોહમ્મદ સગીર ઉર્ફે રાજુ ઈદ્રીસ અન્સારી (૪૨), સરફરાઝ ઈદ્રીસ અન્સારી (૪૦), રમીઝ ઈદ્રીસ અન્સારી (૩૬) (આ તમામ માજી નગરસેવક દંપતીના પુત્રો છે) ઉપરાંત મોહમ્મદ સલીમ અબ્દુલ ખલિક શેખ (૫૫) અને મુશ્તાક અહેમદ મન્સૂર શેખ (૪૧)નો સમાવેશ થાય છે.
સરકારી પક્ષના જણાવ્યા અનુસાર આરોપીઓમાંની એકની માતાએ ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ મુંબ્રાની શ્રીલંકા વિસ્તારમાં આવેલી ચિકન શોપની સામે કચરો ફેંક્યો હતો. દુકાનમાલિકે વાંધો ઉઠાવતાં મહિલાના પુત્રે અન્યો સાથે મળીને દુકાનની તોડફોડ કરી હતી. આરોપીઓએ દુકાનમાલિક, તેના મિત્ર અને માતા પર પણ હુમલો કર્યો હતો જેમાં ત્રણેયને ગંભીર ઈજા થઈ હતી.
પોલીસે ગેરકાયદે જમાવડો અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આરોપીઓને પકડયા હતા. સરકારી પક્ષે તમામ આરોપો પુરવાર કર્યા છે અને તેમને દયા દાખવવાની જરૂર નહોવાનું કોર્ટે નોંધ્યું હતું.