પુણેની ગેરકાયદે ફેક્ટરીમાં ભીષણ આગમાં 6નાં મોતઃ 10 જખમી
પિંપરી-ચિંચવડમાં બર્થ-ડે માટે સ્પાર્કલિંગ કેન્ડલ બનાવાતી હતી
મૃતકોમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશઃ કોઈ જાતના લાયસન્સ વગર ફેકટરી ધમધમતી હતી
મુંબઇ : પુણે નજીક પિંપરી- ચિંચવડમાં જન્મ દિવસની ઉજવણી માટે કેક પર લગાડવામાં આવતી સ્પાર્કલિંગ મીણબત્તી બનાવતી ફેક્ટરીમાં આજે બપોરે આગ સાથે જોરદાર વિસ્ફોટ થતાં છ નાં મોત થયાં હતાં અને અન્ય દસને ઈજા થઈ હતી. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ હોવાનું જાણવા મળે છે.
આ ફેક્ટરી ગેરકાયદેસર હતી. તેની પાસે કોઇ પણ પ્રકારનું લાઇસન્સ કે જરૃરી દસ્તાવેજ નહોતા એમ કહેવાય છે. પોલીસે બનાવની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે. ફાયરબ્રિગેડ મુશ્કેલીથી આગ પર કાબૂ મેળવ્યો હતો.
પુણેના તળવડે ખાતે આજે બપોરે આ ઘટના બની હતી. પિંપરી- ચિંચવડ મ્યુનિસિપલ કમિશનર શેખર સિંહે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડને ૨.૪૫ વાગ્યાની આસપાસ તલાવડે સ્થિત ફેક્ટરીમાં આગનો કોલ મળ્યો હતો. આ ફેક્ટરીમાં સ્પાર્કલિંગ કેન્ડલ બનાવવામાં આવતી હતી.
જવલનશીલ કાચા માલને લીધે આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો. જેના લીધે કામદારો બહાર દોડી આવ્યા હતા. પરંતુ અમૂક કામદાર અંદર જ ફસાઇ ગયા હતા. વિસ્ફોટથી સ્ટ્રક્ચરની દીવાલને ઘણું નુકસાન થયું હતું.
આ બનાવની માહિતી મળતા અગ્નિશામક દળના જવાનો છ ગાડી સાથે રેસ્ક્યુ ઓપરેશન માટે પહોંચી ગયા હતા. તેમણે અંદાજે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં છ જણના મૃત્યુ થયા હતા. જ્યારે ઉષા પાડવી (ઉં.વ.૪૦), કવિતા રાઠોડ (ઉં.વ. ૩૫), રેણુકા તાતોડ (ઉં.વ.૨૦), કમલ ચોરે (ઉં.વ. ૩૫), શરદ સુતાર (ઉં.વ. ૫૦), પ્રિયંકા યાદવ (ઉં.વ. ૩૨), સુમન રાધા (ઉં.વ. ૪૦), અપેક્ષા તોરણે (ઉં.વ. ૧૮) સહિત દસ જણ ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફેક્ટરીના અન્ય કોઇ વ્યક્તિ ફસાયેલા છે કે કેમ એની તપાસ કરવામાં આવી હતી.
રાજ્યના ગૃહ મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ બનાવ અંગે શોક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ ઘટનામાં પૂરતી તપાસ કરી પગલાં લેવાશે અને કોઈને પણ છોડાશે નહીં.