કાંદિવલીમાં રૃા.32 લાખની સાયબર છેતરપિંડી કરનારા 6ની ધરપકડ
સીબીઆઇ ઓફિસરના સ્વાંગમાં ડિજીટલ એરેસ્ટ સ્કેમ
છેતરપિંડી દ્વારા મળેલી રકમ મેળવવા આવેલી રાજસ્થાનની ગેંગને પકડવા દક્ષિણ મુંબઇની હોટેલમાં દરોડા
મુંબઈ - ડિજીટલ સીબીઆઇ ઓફિસરના સ્વાગમાં ધરપકડના બહાને ઓનલાઇન છેતરપિંડી કરતી છ સાયબર ઠગની ગેંગની મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. કાંદિવલીમાં ૪૯ વર્ષીય વ્યક્તિની ડિજીટલ એરેસ્ટ કરી આરોપીઓએ રૃા.૩૨ લાખ પડાવી લીધા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) અધિકારી હોવાનો કોળ કરી સાયબર ફ્રોડ કરનારા આરોપી ગંગવિશન મંજુ (ઉ.વ.૩૨) વિલાસ બિશ્નોઇ (ઉ.વ.૨૧) પ્રેમસુખ બિશ્નોઇ (ઉ.વ.૧૯), રામનિવારી બિશ્નોઇ (ઉ.વ.૩૨), સુનિલ બિશ્નોઇ (ઉ.વ.૨૪) અજયકુમાર બિશ્નોઇ (ઉ.વ.૨૧)ને પકડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ મૂળ રાજસ્થાનના છે. દક્ષિણ મુંબઇની એક હોટેલમાં દરોડા પાડી આ ગેંગને પકડવામાં આવી હતી. તેઓ છેતરપિંડીની રકમ એકત્ર કરવા આવ્યા હતા. તેમજ યુએસડીટી મારફતે તેને વિદેશમાં મોકલાવવા તૈયારી કરી રહ્યા હતા.
કાંદિવલીના ૪૯ વર્ષીય વ્યક્તિની ડિજીટલ ધરપકડ કરી રૃા.૩૨ લાખની છેતરપિંડી કરાઇ હતી. તેણે બેન્કના કરન્ટ એકાઉન્ટમાં પૈસા જમા કર્યા હતા પછી આ રકમ ગણતરીની મિનિટમાં ૧૫ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાઇ હતી.
આ ટ્રાન્ઝેકશનની તપાસ કરતા સાયબર પોલીસને જાણવા મળ્યું કે આરોપીનું એક એકાઉન્ટ ચેમ્બુરની બેન્કમાં હતું. એમાં રૃા.૫.૨૮ લાખ જમા કરવામાં આવ્યા હતા આ એકાઉન્ટની માહિતી મેળવી સંબંધિત એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પછી વધુ તપાસ કરી તેના પાંચ સાથીદારને પકડવામાં આવ્યા હતા. એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.