પવઇમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ વખતે પથ્થરમારો કરનારા 57ની ધરપકડ, 200 સામે કેસ
હિંસક વિરોધને બીજે દિવસે ગેરકાયદે બાંધકામો હટાવાયા
પથ્થરમારામાં ૧૫ પોલીસ, પાલિકાના પાંચ એન્જિનિયર, મજૂરો ઘાયલ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ: મુંબઇ મહાનગરપાલિકાની પવઇમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન બે દિવસ પથ્થરમારાની ઘટનાના સંબંધમાં પોલીસે ૨૦૦થી વધુ લોકો સામે કેસ નોંધ્યો છે અને ૫૭ની ધરપકડ કરી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. દરમિયાન હિંસક વિરોધને વીજે દિવસે અતિક્રમણ હટાવી દેવામાં આવ્યું હતું.
પવઇના જયભીમનગર ઝૂંપડપટ્ટીમાં બૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના અતિક્રમણ અભિયાન વખતે પથ્થરમારામાં ઓછામાં ઓછા ૧૫ પોલીસ કર્મચારીઓ, પાલિકાના પાંચ એન્જિનિયરો, અને મજૂરો ઘાયલ થયા હતા.
પોલીસે આ સંદર્ભે ૨૦૦ લોકો સામે કેસ દાખલ કર્યો છે. પોલીસ અને પાલિકા અધિકારીઓ પર પથ્થરમારો કરી તેમને ફરજ નિભાવવા અવરોધ ઉભો કરવા અને રમખાણો કરવાના આરોપસર ૫૭ લોકોની ધરપકડ કરાઇ છે. તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ ઝૂંપડપટ્ટીમાં બે મહિના પહેલા આગ લાગી હતી. અહીંની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પાલિકાએ જગ્યા ખાલી કરવાની નોટિસ આપી હતી. બીએમસીએ અગાઉ જણાવ્યું હતું કે પવઇ ગામ અને મોજે તિરાંદજ ગામમાં એક પ્લોટ પર અસ્થાયી ઝૂંપડાઓ હતા. રાજ્ય માનવઅધિકાર પંચે પાલિકાને આ બાંધકામો સામે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.
એક અધિકારીના જણાવ્યા મુજબ મહાનગરપાલિકાની અતિક્રમણ વિરોધી ટીમ સુરક્ષા માટે પોલીસ કર્મચારીઓની સાથે આ પ્લોટ પર ૪૦૦ જેટલા કથિત ગેરકાયદ૯ે બાંધકામોને હટાવવા માટે ગઇ હતી. પરંતુ રહેવાસીઓએ ૨૫ વર્ષથી અહીં રહેતા હોવાનો દાવો કરીને કાર્યવાહીનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે પોલીસ પર પથ્થરમારો કરતા તંગદિલી ફેલાઇ ગઇ હતી. પોલીસને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા હળવો લાઠીચાર્જ કરવો પડયો હતો. પથ્થરમારામાં અનેક પોલીસકર્મી, પાલિકાના ઓફિસર, મજૂરો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
પથ્થરમારાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એમાં પુરુષો અને મહિલાઓ પોલીસ પર પથ્થરમારો કરતા નજરે પડે છે.
ભારે પોલીસ રક્ષણ નીચે આખરે પવઈની ઝૂંપડપટ્ટી જમીનદોસ્ત
મુંબઇ: પવઈના ગેરકાયદે બાંધકામો તોડવા માટે ગયેલી પાલિકા અને પોલીસની ટીમ પર જોરદાર પથ્થરમારાની ઘટના બાદ શુક્રવારે ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ ફરીથી પાલિકા કર્મચારીઓ તોડકામ માટે પહોંચ્યા હતા અને ૫૦૦થી વધુ ઝૂંપડાઓ તોડી પાડયા હતા. ૧૨ હજાર ચોરસ ફૂટની જગ્યા પર અનધિકૃત રીતે બાંધવામાં આવેલા ઝૂંપડાનું તોડકામ દોઢસોથી વધુ પોલીસોના બંદોબસ્ત નીચે પાલિકાના ૨૫ અધિકારીઓ અને ૩૦૦ કામદારોએ પાર પાડયું હતું.