મુંબઈના માર્ગો પર ત્યજાયેલાં 5550 વાહનો સ્ક્રેપમાં
બિનવારસી વાહનોમાંથી 70 ટકા ટૂ વ્હીલર્સ
ગ્રાન્ટ રોડમાંથી 668, પરેલમાંથી 380 અને કાંદિવલીમાંથી 362 વાહનો હટાવાયા
મુંબઇ : મુંબઇ મહાનગરપાલિકાએ છેલ્લા એક વર્ષમાં શહેરમાં રોડ પર ત્યજી દેવામાં આવેલા ૫૫૫૦ વાહનો ને હટાવી ભંગારવાડે મોકલી આપ્યા છે જેની ટૂંક સમયમાં હરાજી કરવામાં આવશે તેમ એક મ્યુનિસિપલ અધિકારીએ જણાવ્યું હતું. કોરોના મહામારી બાદ બે વર્ષના અંતરાલ બાદ બીએમસીએ રોડ પર ત્યજી દેવાતા બિનવારસી વાહનો સામેની ઝૂંબેશ ફરી વેગવાન બનાવી છે.
૨૪ એડમિનિસ્ટ્રેટિવ વોર્ડસમાં રોડ પર પડેલા ૯૪૮૫ વાહનોના માલિકોને નોટિસ આપવામાં આવી હતી અને તેમાંથી ૩,૬૮૫ વાહનમાલિકોએ તેમના વાહનો હટાવી લીધા હતા. ૨૧૪ વાહનો તેમના માલિકોને ચાર્જ વસૂલ કરી પરત સોંપવામાં આવ્યા હતા.
મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ૧૮૮૮ની કલમ ૩૧૪ હેઠળ વાહનોને જપ્ત કરવામાં આવે છે. આ ત્યજાયેલા વાહનોને કારણે ટ્રાફિક અવરોધાય છે અને તે રોગોના ઘર બને છે. બીએમસી દ્વારા લાંબા સમયથી રોડ પર પડેલા વાહનો પર ૪૮ કલાકમાં વાહન હટાવવાની નોટીસ લગાવે છે. જો વાહનમાલિક નિયત સમયમાં વાહન ન હટાવે તો બીએમસી દ્વારા આ વાહનને ઉપાડી જવામાં આવે છે. એ પછી પણ એક મહિનામાં વાહનમાલિક બીએમસી પાસે તેનું વાહન લેવા ન જાય તો આ બિનવારસી વાહનોની હરાજી કરી દેવામાં આવે છે. હાલ મુંબઇના તમામ ચોવીસે વોર્ડમા ૫૫૫૦ વાહનો ભંગારમાં મુકવામાં આવેલા છે જેની ટૂંક સમયમાં હરાજી કરી નાંખવામાં આવશે.આ વાહનોમાં ૭૦ વાહનો દ્વિચક્રી અને ત્રિચક્રી છે. તમામ કાનુની પ્રક્રિયા પુરી કરી આ વાહનોની વોર્ડ દ્વારા હરાજી કરી દેવામાં આવશે. એમ ઇસ્ટ વોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર ગોવંડી અને દેવનાર વિસ્તારમાંથી ઉપાડીને લાવવામાં આવેલા વાહનોની ટૂંક સમયમાં હરાજી કરવામાં આવશે. મુંબઇમાં સૌથી વધારે ગ્રાન્ટ રોડમાંથી ૬૬૮, પરેલમાંથી ૩૮૦ અને કાંદિવલીમાંથી ૩૬૨ વાહનોને બીએમસી દ્વારા ઉપાડી જવામાં આવ્યા હતા.
તાજેતરમાં યોજાયેલી એક બેઠકમાં બીએમસી દ્વારા દરેક વોર્ડમાં નોડલ ઓફિસર નીમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે ટ્રાફિક પોલીસના સહયોગ સાથે શહેરમાં ત્યજાયેલા વાહનો સામે સંયુકત રીતે કામગીરી બજાવશે.