55.50 કરોડ રૃપિયા દુબઇની કંપનીમાં હવાલા મારફત મોકલાયા હતા

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
55.50 કરોડ રૃપિયા દુબઇની કંપનીમાં હવાલા મારફત મોકલાયા હતા 1 - image


બોગસ ટીડીએસ રિફંડ કેસમાં નાણાનું પગેરુ દુબઇમાં મળ્યું

આરોપીઓની 166 કરોડ રૃપિયાની સંપત્તિ પર અગાઉ ટાંચ મૂકવામાં આવી હતી

મુંબઇ :  ૨૬૩ કરોડ રૃપિયાના બોગસ ટેક્સ રિફંડની રકમમાંથી ૫૫.૫૦ કરોડ રૃપિયાની રકમ દુબઇની કંપનીમાં ડાઇવર્ટ કરવામાં આવી હતી તેવું ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાંથી જાણવા મળ્યું છે. કુલ રકમમાંથી ૫૫.૫૦ કરોડ રૃપિયા ૩૦-૩૫ બોગસ કંપનીમાં ડાઇવર્ટ કરાયા હતા તે પછી હવાલા મારફત દુબઇ મોકલવામાં આવ્યા હતા તેવું મનીટ્રેઇલ દર્શાવે છે. ઇડીના સ્ત્રોતો દ્વારા ઉપરોક્ત માહિતી મળી હતી.

તાનાજી  અધિકારી નામના આવકવેરા વિભાગના એક કર્મચારીએ ૧૨ બોગસ ટીડીએસ (ટેક્સ ડિડક્ટરેડ એટ સોર્સ) રિફંડ મેળવ્યા હતા જે સહઆરોપી ભૂષણ પાટિલની માલિકીની કંપનીમાં જમા કર્યા હતા. કંપનીને ૧૬ લાખ રૃપિયાનું રિફંડ લેવાનું હતું. તેના બદલે રૃા. ૨૬૩.૯૫ કરોડનું ખોટું ટીડીએસ રિફંડ મેળવી લેવામાં આવ્યું હતું. કુલ રકમમાંથી રૃા. ૫૫.૫૦ કરોડ ત્રણ શેલ કંપનીમાં જમા કરાયા હતા જે ફરી ડાઇવર્ટ કરી ૩૦-૩૫ બોગસ કંપનીમાં જમા કરાયા હતા. દુબઇની રેતી કપચીની કેટલીક કંપનીમાં ડાઇવર્ટ કરાયા હતા તેવું ઇડીના એક સ્ત્રોતે કહ્યું હતું.

સીબીઆઇના એક કેસના આધારે ઇડી દ્વારા તપાસ એક કેસના હાથ ધરવામાં આવી હતી. કુલ ૨૬૩.૯૫ કરોડ રૃપિયાની રકમની સામે ૧૬૬ કરોડ રૃપિયા મૂલ્યની સંપત્તિ જપ્ત/ ટાંક મૂકવામાં આવી હતી. આરોપીઓનો માલિકીની કેટલીક લકઝરી કાર, પનવેલ અને મુંબઇમાં ફ્લેટ, લોનાવલા, ખંડાલા, કરજત, પુણે અને કર્ણાટકમાં ઉડીપી સ્થિત અચળ સંપત્તિ પર ટાંચ મૂકવામાં આવી હતી. કેટલાક બેંક ખાતા ફ્રીજ (લેવડદેવડ ન થઇ શકે) પણ કરાયા હતા.

૧૫ નવેમ્બર ૨૦૧૯થી ૪ નવેમ્બર ૨૦૨૦ દરમિયાન આરોપી ટેક્સ અધિકારીએ પોતાના ઉપરીના લોગઇન પાસવર્ડનો ઉપયોગ કરી ૧૨ બોગસ ટીડીએસ રિફંડ જનરેટ કર્યા હતા અને સહઆરોપીની કંપનીના ખાતામાં જમા કર્યા હતા. જુલાઇ ૨૦૨૩માં આરોપીઓની ઇડીએ ધરપકડ કરી હતી.

વર્ષ ૨૦૦૭-૨૦૦૮ અને ૨૦૦૮- ૨૦૦૯ના એસેસમેન્ટ વર્ષ માટે બોગસ ટીડીએસ રિફંડ જનરેટ કરનારા અધિકારી સામે ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુના એડિશનલ ડિરેક્ટર જનરલ (વિજિલન્સ)-૪  દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે સીબીઆઇએ એફઆઇર નોંધી હતી અને પીએમએલએ હેઠળ ઇડીએ તપાસ શરૃ કરી હતી.



Google NewsGoogle News