ભારે વરસાદથી વિમાની વ્યવહાર પણ ખોરવાયો, 51 ફલાઈટ રદ , 27 વિમાનો અન્યત્ર ડાયવર્ટ કરાયા
ભારે વરસાદથી વિમાની વ્યવહાર પણ ખોરવાયો
કનેક્ટિંગ ફલાઈટ ગુમાવી : એરપોર્ટ ના રસ્તા બંધ થતાં કેટલાય ફલાઈટ ચૂકી ગયા
મુંબઇ : મુંબઇના મૂશળધાર વરસાદે આજે વિમાન-સેવા સાવ ખોરવી નાખી હતી. પરિણામે મુંબઇ એરપોર્ટ પર અટવાયેલા સેંકડો પ્રવાસીઓએ ભારે હાલાકી વેઠવી પડી હતી. સોમવારે 51 ફ્લાટ રદ કરવામાં આવી હતી અને 27 ફ્લાઇટ બીજે વાળવામાં આવી હતી.
સોમવારે વહેલી સવારથી જ એકદમ ધૂંધળા વાતાવરણમાં (લો વિઝિબિલિટી) રનવે બંધ કરી દેવામાં આવ્યા હતા. બંને રનવે બંધ થતા 51 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી અન મુંબઇ આવતા 27 વિમાનોને અમદાવાદ, હૈદરાબાદ અને ઇન્દોર તરફ વાળવામાં આવ્યા હતાં.
મુંબઇ એરપોર્ટ પરથી ફ્લાઇટ પકડવાની રાહ જોઇને બેઠેલા સંખ્યાબંધ એર પેસેન્જરો માટે રાહ જોયા સિવાય બીજો કોઇ વિકલ્પ જ નહોતો રહ્યો. બીજી બાજું મુંબઇ ઉતરી કનેક્ટીંગ ફ્લાઇટ પકડવાના હતા એવાં કેટલાક પેસેન્જરોના વિમાનો અમદાવાદ, ઇન્દોર અને હૈદરાબાદ લઇ જવામાં આવતા તેમની કફોડી દશા થઇ હતી.
લાર્સન ફર્નાન્ડિસ નામના પેસેન્જરની આજે મુંબઇથી દુબઇ અને દુબઇથી ઇટલીની કનેક્ટીંગ ફ્લાઇટ હતી. અમિરાત્સની વહેલી સવારે સાડાચારની ફ્લાઇટ પકડવા માટે ગઇ મધરાતે તે એરપોર્ટ પહોંચી ગયા હતા. સવારે સાડાચારે તે પ્લેનમાં બેસી ગયા પછી સવારે અગિયાર વાગ્યા સુધી ફ્લાઇટ ટેકઓફ નહોતી થઇ. પરિણામે સવારે દુબઇ પહોંચી ત્યાંથી 9 વાગ્યે ઇટલીની ફ્લાઇટ પકડવાની હતી એ ચૂકી ગયા હતા.બીજી તરફ અમુક પેસેન્જરો તો પશ્ચિમના ઉપનગરોમાં જળબંબાકાર સ્થિતિને કારણે ટેક્સી કે પ્રાઇવેટ કારમાં સમયસર એરપોર્ટ પહોંચી નહોતા શક્યા.
કેટલી ફ્લાઇટ કેન્સલ થઇ?
આજે ઇન્ડિગો એરલાઇન્સની ૪૨, એર-ઇન્ડિયાની છ, અલાઇન્સ એરની બે અને કતાર એરવેઝની એક એમ 51 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. પરિણામે આટલી ફ્લાઇટના પેસેન્જરો હાલાકીમાં મૂકાયા હતા અને એરપોર્ટ પરિસરમાં રેલવે સ્ટેશન જેવી ભીડ જોવા મળી હતી.