રિઝલ્ટમાં છબરડા વાળનારા પ્રોફેસરોને 5-5 હજારનો દંડ

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
રિઝલ્ટમાં છબરડા વાળનારા પ્રોફેસરોને 5-5 હજારનો દંડ 1 - image


વિદ્યાર્થીઓના માર્ક ખોટાં ભર્યાં અથવા ભરવાનું જ ભૂલી ગયાં

પુણે યુનિવર્સિટી દ્વારા રિઝલ્ટમાં છબરડા માટે કસૂરવાર 78 કોલજો તથા તેના પ્રોફેસરો સામે આકરી કાર્યવાહી

મુંબઈ :  વિદ્યાર્થીઓ વર્ષભર અભ્યાસ કરીને પરીક્ષા આપતાં હોય છે. પરંતુ અનેકવાર પરિણામ લંબાય છે, ક્યારેક ખોટું પરિણામ આવે છે. આથી વિદ્યાર્થીઓએ ફરી ફી ભરી પુનઃતપાસણી માટે અરજી કરવી પડે છે. પુણે યુનિવર્સિટીમાં આવી જ ઘટનામાં પ્રોફેસરોની ભૂલ સામે આવતાં યુનિવર્સિટીએ શિક્ષકો અને કૉલેજો પર કાર્યવાહી કરી છે. પહેલીવાર મોટી સંખ્યામાં પ્રોફેસરો અને કૉલેજો પર કાર્યવાહી થયાનું સામે આવ્યું છે.  

સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટીએ પરિણામમાં ગડબડ કરનારા શિક્ષકો સામે કાર્યવાહી આદરી છે. યુનિવર્સિટીએ ૭૮ કૉલેજોને દંડ ફટકાર્યો છે. વિદ્યાર્થીઓના પરિણામમાં ભૂલ કરતાં પ્રાધ્યાપકો અને કૉલેજો સામે પહેલીવાર કાર્યવાહી થઈ છે. યુનિવર્સિટી દ્વારા એપ્રિલ-મે ૨૦૨૩ સત્રની પરીક્ષાઓનું પરિણામ થોડાં દિવસ પહેલાં જ જાહેર થયું. તેમાં અનેક વિદ્યાર્થીઓના આંતરિક પરીક્ષા (ઈન્ટર્નલ્સ) ના માર્ક જ ભરવાના રહી ગયાં. તો કેટલાંકે ખોટાં માર્ક્સ આપ્યાં. આથી યુનિવર્સિટીની સમિતિ દ્વારા તપાસ કરતાં પ્રોફેસરોની ભૂલ સામે આવતાં તેમની સામે કાર્યવાહી કરાઈ છે. 

યુનિવર્સિટીની સમિતિએ ૭૮ કૉલેજના પ્રાધ્યાપકોને પાંચ હજાર રુપિયા સુધીનો દંડ ફટકાર્યો છે. તેમજ કૉલેજોએ શિક્ષાની ભરપાઈ કરી આગળની કાર્યવાહીનો અહેવાલ પરીક્ષા વિભાગને મોકલવા પણ આદેશ આપ્યો છે. જો ભવિષ્યમાં આવી ભૂલ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે, એવું પણ યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે.

પુણે યુનિવર્સિટીએ ૩૦ સપ્ટેમ્બરે આ સંદર્ભે એક યાદી બહાર પાડી છે. ૩૭ પાનાનું પરિપત્રક બહાર પાડી પરીક્ષાના કામકાજમાં ભૂલો કરતાં શિક્ષકો અને કૉલેજોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં રીઝલ્ટમાં ભૂલ ધરાવતાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ જણાવી છે. યુનિવર્સિટીએ કરેલી આ કાર્યવાહીને વિદ્યાર્થીઓએ વખાણી છે.



Google NewsGoogle News