500 કરોડના હોટલ કૌભાંડમાં ધારાસભ્ય રવિન્દ્ર વાયકર સામે મની લોન્ડરિંગનો ગુનો

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
500 કરોડના હોટલ કૌભાંડમાં  ધારાસભ્ય રવિન્દ્ર વાયકર સામે મની લોન્ડરિંગનો  ગુનો 1 - image


પાલિકનાં રમતના મેદાન પર  ગેરકાયદે હોટલ બનાવી દીધી હતી

ઉદ્ધવ જૂથના ધારાસભ્ય રવિન્દ્ર વાયકરને ઈડી દ્વારા સમન્સ મોકલાશેઃ અગાઉ પોલીસે પણ છેંતરપિંડીનો ગુનો દાખલ કરી આઠ કલાક પૂછપરછ કરી હતી

મુંબઈ :  શિવસેનાના ઉદ્ધવ જૂથના જોગેશ્વરી વિસ્તારના ધારાસભ્ય રવિન્દ્ર વાયકર સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા  ૫૦૦ કરોડના હોટલ કૌભાંડમાં મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. રવિન્દ્ર વાયકરે મહાપાલિકા સાથે છેંતરપિંડી કરી તેની સાથે થયેલી સમજૂતીનો ભંગ કરી પ્લે ગ્રાઉન્ડની જગ્યામાં ફાઈવ સ્ટાર હોટલ બનાવી દીધો હોવાનો આરોપ છે. 

   ઈડી દ્વારા આ કેસમાં વાયકર સહિત અન્ય આરોપીઓને સમન્સ મોકલવામાં આવે તેવી સંભાવના છે. 

રવિન્દ્ર વાયકર સામે  આ કૌભાંડમાં અગાઉ પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે અને તેમની મુંબઈ પોલીસની આર્થિક અપરાધ નિવારણ શાખા દ્વારા આઠ કલાક સુધી પૂછપરછ પણ કરવામાં આવી હતી. હવે મુંબઈ પોલીસની આ શાખા દ્વારા તમામ દસ્તાવેજો ઈડીને સોંપી દેવામાં આવ્યા છે. 

રવિન્દ્ર વાયકર અને બીએમસી વચ્ચે જોગેશ્વરીમાં રમત ગમતના મેદાન પર જાહેર સુવિધાઓ વિકસાવવા સમજૂતી થઈ હતી.  જોકે, વાયકર પર આરોપ છે કે તેમણે બીએમસીને ગેરમાર્ગે દોરી હતી અને ખોટી રીતે હોટલ બનાવવાની મંજૂરી લઈ લીધી હતી. આ કૌભાંડમાં ધારાસભ્ય રવિન્દ્ર વાયકર ઉપરાંત તેમનાં પત્ની મનિષા વાયકર, બિઝનેસ પાર્ટનર આસૂ નેહલાનાઈ , રાજ લાલચંદાની, પ્રિથપાલ બિંન્દ્રા તથા આર્કિટેક્ટ અરુણ દૂબેને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. 

વાયકર સામે ઈડી દ્વારા  પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

ધારાસભ્ય વાયકર શિવસેનાયુબીટીના વડા તથા માજી મુખ્યપ્રધાન ઉદ્ધવ  ઠાકરેના નિકટવર્તી મનાય છે. શિવસેનામાં ભાગલા પડયા ત્યારે વાયકરે ઉદ્ધવ જૂથ સાથે જ રહેવાનું પસંદ કર્યું હતું. વાયકરે અગાઉ આક્ષેપ કર્યો હતો કે આ તમામ કેસ , કાર્યવાહી રાજકીય હેતુ પ્રેરિત છે. 


Google NewsGoogle News