મહારાષ્ટ્રમાં પેપર લીક માટે 5 વર્ષની જેલ, 10 લાખનો દંડ થશે
મહારાષ્ટ્ર સરકાર દ્વારા વિધાનસભામાં વિધેયક રજૂ કરાયું
પરીક્ષા આયોજનના સર્વિસ પ્રોવાઈડરને 1 કરોડનો દંડ અને 4 વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવાની પણ જોગવાઈ
મુંબઈ : મહારાષ્ટ્રમાં પેપર લીકના કિસ્સામાં પાંચ વર્ષ સુધીની કેદ તતા ૧૦ લાખ રુપિયાના દંડની જોગવાઈ કરતું વિધેયક રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓ સહિતની જાહેર પરીક્ષાઓમાં પેપર લીકના વધતા કિસ્સાના સંદર્ભમાં યુપીની જેમ મહારાષ્ટ્રમાં પણ હવે કડક કાયદો બનાવવામાં આવશે. આ માટે મહારાષ્ટ્ર કોમ્પિટિટિવ એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મિન્સ ) એક્ટ, ૨૦૨૪ ટાઈટલ સાથેનું વિધેયક આજે રાજ્ય વિધાનસભામાં રજૂ કરાયું હતું.
આ વિધેયક અનુસાર પેપર લીકના ગુનાને કોગ્નિઝેબલ, બિનજામીનપાત્ર તથા બિનસુલેહપાત્ર ગંભીર ગુનો ગણવામાં આવશે. વિધેયકની જોગવાઈ અનુસાર પેપર લીકના દોષિતોને ઓછામાં ઓછી ત્રણ વર્ષની કેદની સજા થઈ શકશે અને આ સજા પાંચ વર્ષ સુધી પણ વધારી શકાશે. આ ઉપરાતં દોષિતને દસ લાખ રુપિયાનો દંડ કરાશે.
જો દોષિત દંડ ભરવામાં નિષ્ફળ જાય તો ભારતીય ન્યાય સંહિંતા ૨૦૨૩ની જોગવાઈ અનુસાર તેની સજાની મુદ્દતમાં વધારો પણ કરી શકાશે.
આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન સાથે સંકળાયેલા સર્વિસ પ્રોવાઈડરને એક કરોડ રુપિયાનો દંડ ફટકારાશે તથા ભવિયમાં ચાર વર્ષ સુધી આ પ્રકારની અને આ સ્તરની કોઈપણ પરીક્ષાના આયોજનમાં કોઈ પણ રીતે સંકળાવા પર પણ પ્રતિબંધ ફરમાવાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓના આયોજનમાં કોઈપણ પ્રકારની ગરબડો ન થાય તે માટે પણ આ વિધેયકમાં કેટલીક જોગવાઈઓ સૂચવવામાં આવી છે. તે માટે પેપર સેટર સહિતના સંબંધિતોની ચોક્કસ જવાબદારી નક્કી કરવામાં આવી છે. ડીવાયએસપી કે એસીપીથી નીચલી કક્ષાના ન હોય તેવા અધિકારીઓને ગુનાની તપાસની જવાબદારી સોંપાશે.
તાજેતરમાં નીટ યુજીની પરીક્ષામાં દેશવ્યાપી ગેરરીતીઓના કિસ્સા બહાર આવ્યા હતા. તેની તપાસનો રેલો મહારાષ્ટ્રના લાતુર સુધી પણ પહોંચ્યો હતો. આ ઉપરાંત ગેરરીતીના આક્ષેપોને કારણે કોલેજોના અધ્યાપકો માટે લેવાતી યુજીસી નેટની પરીક્ષા પણ રદ કરી દેવી પડી હતી. આ સમગ્ર ઘટનાઓના સંદર્ભમાં પરીક્ષામાં પેપર લીક જેવી ઘટનાઓને ડામવા માટે આ વિધેયક રજૂ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા પણ ધી પબ્લિક એક્ઝામિનેશન્સ ( પ્રિવેન્શન ઓફ અનફેર મિન્સ) એક્ટ ૨૦૨૪ના શીર્ષક હેઠળ પરીક્ષાઓમાં ગેરરીતીઓ ડામવા માટેના કાયદાને અમલી બનાવાઈ ચૂક્યો છે. તેમાં પરીક્ષામાં પેપર લીક માટે ૧૦ વર્ષ સુધીની જેલ તથા એક કરોડ રુપિયા સુધીના દંડની જોગવાઈ છે.