પુણેમાં પાણીની ટાંકી તૂટી પડતા 5 કામદારના મોત, 7 જખમી
ટાંકીનું બાંધકામ તકલાદી હતું, પાણીના દબાણથી ધરાશાયી
લેબર કેમ્પમાં રહેતા લોકોને જાહેર વપરાશ માટે ટાંકી બનાવાઈ હતી, નીચે સ્નાન કરતા શ્રમિકો ભોગ બન્યા
મુંબઈ : પુણેમાં આજે સવારે પાણીની ટાંકી તૂટી પડતા કાટમાળ નીચે દબાઈ જતા પાંચ કામદાર મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. જ્યારે સાતને ઈજા થઈ હતી. આ ઘટના બની ત્યારે મૃતક અને ઈજાગ્રસ્ત ટાંકી નીચે સ્નાન કરી રહ્યા હતા. ટાંકીનું યોગ્ય રીતે બાંધકામ કરવામાં આવ્યું નહોતું. એવો આરોપ કરવામાં આવી રહ્યો છે.
પુણેના ભોેસરીમાં સદગુરુનગર પરિસરમાં લેબરકેમ્પ ખાતે આજે સવારે અંદાજે આઠ વાગ્યે આ બનાવ બન્યો હતો. પિંપરી- ચિંચવડના એડીશનલ પોલીસ કમિશનર વસંત પરદેશીએ જણાવ્યું હતું કે 'પાણીના દબાણને લીધે ટાંકીની દીવાલ તૂટી પડી હોવાની શક્યતા છે.'
આ બનાવ બાદ પ્રત્યક્ષદર્શીએ મીડિયા સાથે વાત કરવા જણાવ્યું હતું કે 'અહીં પાણીની મોટી સમસ્યા હતી. આ લેબર કેમ્પમાં ૧૨૦૦થી ૧૩૦૦ લોકો રહે છે. તેમના માટે પાણીની કોઈ સુવિધા ન હોવાથી આ ટાંકી બનાવવામાં આવી હતી.
આ ટાંકીમાં ૧૦થી ૧૨ નળ હતા. અમે ઘણા લોકો છીએ. આ ટાંકી નીચે લોકો સ્નાન કરવા આવે છે. ટાંકીના નળનો વાલ્વ આજે નીકળી ગયો અને જોરથી અવાજ સંભાળાયો હતો. ત્યારબાદ ટાંકી તૂટી પડવાથી ધડાકો થયો હતો. ટાંકીના કાટમાળ નીચે લોકો દબાઈ ગયા હતા. અહીં હાજર લોકોએ જીવ બચાવવા બૂમો પાડી હતી. બાદમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કાટમાળ નીચેથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. કંપની સંબંધિત અધિકારી કે અન્ય આવ્યું ન હતું. જો એમ્બ્યુલન્સ વહેલી તકે ઘટનાસ્થળે પહોંચી હોત અને સમયસર સારવાર મળી હોત તો મૃતકનો બચાવ થયો હતો. ટાંકી યોગ્ય રીતે બાંધવામાં આવી નહોતી, બેદરકારીના લીધે આ ઘટના બની હતી. એવો આરોપ અહીં રહેતા પ્રત્યદર્શીએ કર્યો હતો.
કેટલાંક બિહાર ઓડિસા, બંગાળ અને અન્ય સ્થળેથી કામ કરવા આવ્યા હતા. આ બનાવમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનોને મદદ મળવી જોઈએ. એમ તેમણે વધુમાં કહ્યું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 'કાટમાળ નીચે દબાણ જતા ત્રણ કામદારનું જગ્યા પર મોત થયું હતું. જ્યારે હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત બે મૃત્યુ પામ્યા હતા. પાંચ જણની સારવાર ચાલી રહી છે. આ સાઈટ કોની છે એની તપાસ કરવામાં આવી રહી છે અને ગુનો નોંધવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે.