Get The App

બેન્ક ફ્રોડની રકમમાંથી મલાડના જવેલર્સ પાસેથી 5 લાખની ખરીદી

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
બેન્ક ફ્રોડની રકમમાંથી મલાડના જવેલર્સ પાસેથી 5 લાખની ખરીદી 1 - image


આરટીજીએસથી રકમ જમા કરાવી 5 લાખના દાગીના લઈ ગયા

 સાંજે ઝવેરીને મેસેજ મળ્યો કે આ રકમ ફ્રિઝ કરી દેવામાં આવી છેઃ તેલંગણાના રહીશના  બેન્ક ખાતામાંથી બારોબાર ઉપાડી  લેવાઈ હતી

મુંબઇ :  મલાડના એક જ્વેલરે બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમણે એકદમ અલગ મોડસ અઓપરેન્ડીથી જ્વેલર સાથે પાંચ લાખની છેતરપિંડી આચરી હતી. મલાડમાં રહેતા અને એસ. વી. રોડ પર રૃચિરા જ્વેલર્સ નામે દુકાન ચલાવતા મિતેશ જૈન (૩૩)ની ફરિયાદ પરથી મલાડ પોલીસે બે અજાણ્યા શખ્સો સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૃ કરી છે.

આ બાબતે નોંધાયેલ એફઆઇઆર મુજબ ૧૬ ઓગસ્ટના રોજ સવારે જૈનની દુકાનમાં બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને પાંચ લાખની કિંમતના સોનાના સિક્કા અને આભૂષણો ખરીદવા વિશે પૂછપરછ કરી હતી. જૈને તેમને  જાણ કરી હતી કે જે સોનાની વસ્તુ જોઈતી હશે તેની રકમની તેમના બેન્ક ખાતામાં રીયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) દ્વારા ચૂકવણી કરવાની રહેશે. આ સમયે આ બન્ને વ્યક્તિએ સંમતી દર્શાવી હતી અને બેંકની વિગતો મેળવી ફરી પાછા આવશે તેવું જણાવી ચાલ્યા ગયા હતા.

આ બન્ને તે જ દિવસે બપોરે ૨.૩૦ વાગ્યે પાછા આવ્યા હતા અને સોનાની એક ચેઇન અને ૬૦ ગ્રામ સોનાના બિસ્કિટ મળી રૃ. ૫.૦૧ લાખની ખરીદી કરી હતી. તેઓએ જૈનને તેમનું બેન્ક એકાઉન્ટ ચેક કરવાની સૂચના આપી હતી. તેમણે પાંચ લાખ તેમના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા અને ઉપરની રૃ. ૧૧૯૯/-ની રકમ રોકડમાં ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. જૈનને થોડા સમયમાં યુનિયન બેન્ક તરફથી તેમના ખાતામાં પાંચ લાખ રૃપિયા જમા થયા હોવાનું કન્ફર્મેશન પ્રાપ્ત થયું હતું. ત્યાર બાદ આ બન્ને ગ્રાહકો સોનાની વસ્તુ લઈને નીકળી ગયા હતા.

બાદમાં તે જ દિવસે સાંજે ૬ વાગ્યાની આસપાસ જૈનને બીજો મેસેજ મળ્યો હતો. જેમાં તેમના ખાતામાં જમા થયેલી પાંચ લાખ રૃપિયાની રકમ ફ્રીઝ કરી દેવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હગતું. જૈન જ્યારે બીજા દિવસે સવારે બેન્કમાં ગયા ત્યારે તેમને ખબર પડી હતી કે આ રકમ તેલંગણાના એક રહેવાસીની છે. જેની સાથે સાયબર ફ્રોડસ્ટરોએ છેતરપિંડી આચરી હતી અને આ રકમ જૈનના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેથી તેલંગણા પોલીસમાં ફરિયાદ થયા બાદ આ રકમ ફ્રીજ કરી દેવામાં આવી હતી. બેન્કે જૈનને તેલગંણા  પોલીસની ફરિયાદની નકલ પણ દેખાડી હતી.

પોતાની સાથે સાયબરફ્રોડ થયું હોવાનું જણાતા જૈને મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને બે આરોપીઓ અંદાજે વીસ અને ચાલીસ વર્ષના હોવાની પોલીસને જાણ કરી હતી. મલાડ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧ (૪) (છેતરપિંડી) હેઠળ એફઆઇઆર નોંધી વધુ તપાસ આદરી છે.



Google NewsGoogle News