Get The App

સલમાન ખાનના ઘરે ફાયરિંગ માટે શૂટર્સ સાથે 5 લાખમાં સોદોઃ 1 લાખ એડવાન્સ અપાયા

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
સલમાન ખાનના ઘરે ફાયરિંગ માટે  શૂટર્સ સાથે 5 લાખમાં સોદોઃ 1 લાખ એડવાન્સ અપાયા 1 - image


અનમોલ બિશ્નોઈએ રોહિતને કામ સોંપ્યા પછી આ 2 શૂટર હાયર કરાયા હતા

સુપારીની અમુક રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાઈઃ 24 હજારમાં સેકન્ડ હેન્ડ બાઈક ખરીદી અને 10 હજાર પનવેલમાં એડવાન્સ ભાડું આપ્યું : પિસ્તોલ કોણે આપી તેની તપાસ

મુંબઇ :  બાંદરાના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સલમાન ખાનને ડરાવવા ફાયરિંગ કરવા બે હુમલાખોરોને એડવાન્સમાં સુપારીના રૃા.એક લાખની ચૂકવવામાં આવ્ય હોવાનું  કહેવાય છે. ગોળીબાર બાદ શૂટરને અંદાજે રૃા.ત્રણથી ચાર લાખ મળવાના હતા. એવી ચર્ચા થઇ રહી છે.બીજી તરફ સુપારીની અમૂક રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું કહેવાય છે. જોકે પોલીસે આ બાબતને હજી સુધી સમર્થન આપ્યું નથી પોલીસ દરેક શક્યતાને ધ્યાનમાં રાખીને કેસની તપાસ કરી રહી છે.

બાંદરામાં સલમાન ખાનના નિવાસસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગત રવિવારે વહેલી સવારે અંધાધૂંધ ફાયરિંગ કેસમાં કચ્છના યાત્રાધામ  માતાના મઢથી પકડાયેલા બે શૂટર સાગર પાલ (ઉ.વ.૨૧) અને વિકી ગુપ્તા (ઉ.વ.૨૪)ની પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી માહિતી મળી રહી  છે. બંને આરોપી  પચ્ચીસમી  એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં હોવાથી તેમની ઝીણવટભરી પૂછપરછ કરી કેસમાં મહત્વના પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે.

ગેલક્સી એપાર્ટમેન્ટ પર ફાયરિંગ સલમાન ખાનને ડરાવવા માટે કરવામાં  આવ્યું હતું.  હુમલાખોરોને ગોળીબાર માટે બિશ્નોઇ ગેંગ દ્વારા સુપારી આપવામાં આવી હતી. બંને આરોપીને સુપારીની રકમમાંથી રૃા.એક લાખ એડવાન્સ મળ્યા હતા તેમને કામ પૂરું થયા બાદ  બાકીના રૃા.ત્રણથી ચાર લાખ મળવાના હતા એવી ચર્ચા થઇ રહી છે.

આરોપીઓએ સુપારી પેટે મળેલા રૃા.એક લાખનું શું કર્યું એની તપાસ થઇ રહી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોઇએ વિદેશથી રોહિત ગોદરને ફાયરિંગ માટે સુપારી આથી  પછી ગોળીબારની જવાબદારી વિકી અને સાગરને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

તેમજ અનમોલ પાસેથી અન્ય વ્યક્તિની મદદથી આરોપીને અંદાજે રૃા.૫૦ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાયા હોવાનું કહેવાય છે. આરોપીએ રૃા.૨૪ હજારમાં સેકન્ડ હેન્ડ બાઇક ખરીદી હતી. હુમલામાં આ જ બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય પનવેલમાં ઘર ભાડા પર લેવા એડવાન્સમાં રૃા.૧૦ હજાર જમા કરવામાં આવ્યા હતા. મહિનાનું રૃા.સાડા ત્રણ હજાર ભાડું નક્કી કરવામાં આવ્યું હતું.

સલમાન ઘર પર ફાયરિંગ માટે આરોપીઓને પિસ્તોલ આપવામાં આવી હતી. આ પિસ્તોલ કોણે આપી એની તપાસ થઇ રહી છે. ફરાર અનમોલ બંને આરોપીના સીધા સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શૂટરને સલમાનના ઘર પર પિસ્તોલમાંથી  બે મેગૅઝીન ફાયર કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યોહતો. પરંતુ તેમણે પાંચ રાઉન્ડ ફાયર કર્યા હતા. એક ગોળી સલમાનના ઘરની ગેલેરીમાં ઘૂસી ગઇ હતી.

પોલીસ સલમાનનું પણ નિવેદન લેશે

ફાયરિંગ કેસમાં પોલીસ કદાચ સલમાન ખાનનું નિવેદન નોંધી  શકે છે આ ઉપરાંત જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની મુંબઇ પોલીસ કસ્ટડી મેળવે એવી શક્યતા છે.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને તેની ગેંગ દ્વારા અત્યાર સુધી સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. પરંતુ હવે તેના ઘર પર ગોળીબાર કરાતા મામલો વધુ ગંભીર બની ગયો છે.

ફાયરિંગ કેસમાં પોલીસ સલમાન ખાનનું નિવેદન નોંધશે એમ કહેવાય છે. આ ઉપાંર લોરેન્સ બિશ્નોઇનો જેલમાંથી તાબો મેળવી મુંબઇ પોલીસ તેની પૂછપરછ કરે એવી શક્યતા છે.



Google NewsGoogle News