ડોમ્બિવલીના શ્રદ્ધાળુઓની બસ અને ટ્રેક્ટર ટકરાતા 5ના મોત, 42 જખમી

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
ડોમ્બિવલીના શ્રદ્ધાળુઓની બસ અને ટ્રેક્ટર ટકરાતા 5ના મોત, 42 જખમી 1 - image


અષાઢી એકાદશી નિમિત્તે પંઢરપુર જઇ  રહ્યા હતા

મુંબઇ- પુણે એક્સપ્રેસ વે પર પનવેલ પાસે બસ 20 ફૂટ નીચે ખીણમાં પડી

મુંબઇ :  મુંબઇ- પુણે એક્સપ્રેસ વે પર ગઇકાલે રાતે અષાઢી એકાદશી નિમિત્તે પંઢરપુર દર્શન માટે જઇ રહેલા ડોમ્બિવલીના ભક્તોની બસ અને ટ્રેક્ટરની અથડામણથી થયેલા ભીષણ અકસ્માતમાં પાંચ જણ ંમોતને ભેટયા હતા જ્યારે ૪૨ને ઇજા થઇ હતી. બસ રસ્તાની બાજુમાં બેરિકેટ તોડીને ખીણમાં ૨૦ ફૂટ નીચે ખાબકી હતી, એમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું.

ડોમ્બિવલીમાં રહેતા ભગવાન વિઠ્ઠલના ભક્તો અષાઢી એકાદશીની ઉજવણી માટે સોલાપુરના પંઢરપુર જઇ રહ્યા હતા. ડેપ્યુટી કમિશના ઓફ પોલીસ વિવેક પાનસરેએ જણાવ્યું હતું કે નવી મુંબઇમાં પનવેલ નજીક ગઇકાલે રાતે અકસ્માત થયો હતો.

પોલીસે કહ્યું હતું કે સ્પીડમાં બસ દોડાવીને ડ્રાઇવરે ઓવરટેક કરવાના પ્રયાસમાં ટ્રેક્ટરને ટક્કર મારી હતી. નોંધનીય છે કે એક્સપ્રેસ વે પર ટ્રેક્ટર ચલાવવાની મંજૂરી નથી આમ છતાં અહીં ટ્રેક્ટર આવ્યું હતું.અકસ્માત બાદ બસ એક્સપ્રેસ વેની બેરિકેડ તોડીને રસ્તાની બાજુમાં ખીણમાં પડી ગઇ હતી.

આ દુર્ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પછી સિનિયર પોલીસ અધિકારી, કર્મચારી, ટ્રાફિક પોલીસ, ફાયર બ્રિગેડ, બચાવ કામગીરી માટે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. તેમણે અંધારામાં ભારે જહેમત બાદ પ્રવાસીઓને બસમાંથી બહાર કાઢયા હતા. અકસ્માતમાં બસમાં પ્રવાસ કરનારા હૌસાબાઇ હરી પાટીલ (ઉં.વ. ૬૫) રામદાસ નાયારણ મુકાદમ (ઉં.વ.૭૧), ગુરુનાથ બાપુ પાટીલ (ઉં.વ.૬૫) તથા ટ્રેક્ટર ચાલક તરવેઝ સલાઉદ્દીન અહમદ (ઉં.વ.૨૭) તેનો સાથીદાર દીપક સોહન રાજભર (ઉં.વ.૩૦) મોતને ભેટયા હતા. ઇજાગ્રસ્ત ૪૨ ભક્તોને  ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એમાંથી સાતની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે. 

મૃતકોના પરિવારને પાંચ લાખની આર્થિક સહાય 

અકસ્માતમાં જીવ ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારને રૃા.પાંચ લાખ ચૂકવવામાં આવશે એમ રાજ્ય સરકારે જણાવ્યું છે. ઈજાગ્રસ્તની સારવારનો તમામ ખર્ચ  પણ સરકાર આપશે. 


Google NewsGoogle News