બિલાડીને બચાવવા જતાં બાયોગેસના કૂવામાં ખાબકતાં 5નાં મોત
અહમદનગર જિલ્લાના નેવાસાની ઘટના
છાણ તથા અન્ય ચીજોને કારણે પેદા થયેલા ગેસમાં ગૂંગળાયાઃ 1 લાપતા
મુંબઇ : અહમદનગર જિલ્લાના નેવાસામાં બનેલી એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં બિલાડીને બચાવવાના પ્રયાસમાં બાયોગેસના ૨૦૦ ફૂટ ઉંડા કૂવામાં ડૂબી જવાથી પાંચ જણના મોત થયા હતા. બિલાડીને બચાવવાના પ્રયાસમાં પહેલા એક વ્યક્તિ છાણ ભરેલા કૂવામાં પડી ગઇ હતી જેને બચાવવાના પ્રયાસમાં અન્ય પાંચ વ્યક્તિ પણ છાણ ભરેલા કૂવામાં ડૂબી ગયા હતા. તેમાંથી પાંચના મૃતદેહ મળ્યા હતા જયારે એક વ્યક્તિ લાપતા છે.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર અહમદનગર જિલ્લાના નેવાસા તાલુકાના વાકડી ગામમાં બાયોગેસના ૨૦૦ ફૂટ ઉંડા કૂવામાં એક બિલાડી પડી ગઇ હતી. આ સમયે બિલાડીને બચાવવા ત્યાં સ્થાનિકોનું ટોળું આવ્યું હતું. જેમાંથી એક વ્યક્તિએ બિલાડીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ આ પ્રયાસમાં તે કૂવામાં ખાબક્યો હતો. છાણના કૂવામાં તે ડૂબવા માંડતા તેને બચાવવાઅન્ય પાંચ જણ પણ કૂવામાં ઉતર્યા હતા જો કે આ પાંચેય જણ બધાની સામે ડૂબવા માંડયા હતા અને છાણ ભરેલા ઉંડા કૂવામાં ગરક થઇ ગયા હતા.
આ રીતે છાણ ભરેલા કૂવામાં ડૂબી ગયેલા લોકોને સહેલાઇથી બહાર કાઢવા શક્ય ન હોવાથી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની સાથે જ સ્થાનિક તહેસીલદાર અને ગામવાસીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ પ્રશાસને પાંચ જણના મૃતદેહ બહાર કાઢયા હતા જ્યારે છઠ્ઠી વ્યક્તિનો મૃતદેહ મળી શક્યો નહોતો તેથી આ માટે વધુ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
આ સંદર્ભે એવું જાણવા મળ્યું હતું કે આ બાયોગેસ કૂવો હોવાથી તેમા ગાયનું છાણ, ગોમૂત્ર, દાળનો લોટ અને બાયોગેસ બનાવવા ઉપયોગી અન્ય વસ્તુઓ નાંખવામાં આવતી હતી. તેથી આ તમામ વસ્તુઓની સ્લરી તૈયાર થઇ હતી અને તેમાં ગેસ બનવા માંડયો હોવાથી કૂવામાં ઉતરેલા લોકોના નાક-મોઢામાં આ ગેસ જવાથી ગુંગણામણથી તેમના મોત થયા હોવાની શક્યતા વર્તાવવામાં આવે છે.