નાસિકમાં શિંદે જૂથના નેતાઓના હોટલના રુમમાંથી 5 કરોડ જપ્ત
નાસિકની રેડિસન બ્લ્યુ હોટલમાં ચૂંટણી પંચની ટીમનો છાપો
શિંદે જૂથના નાસિકના સંપર્ક પ્રમુખ જયંત સાઠે અને પક્ષ નિરીક્ષક લલિત વાનખેડેની રૃમમાંથી પક્ષના પદાધિકારીઓને રોકડ વહેંચાતી હતી
મુંબઈ : મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલાં ચૂંટણી પંચના ફલાઈંગ સ્કવોડે નાસિકથી રેડિસન બ્લ્યુ હોટલમાં એકનાથ શિંદેની શિવસેનાના નેતાઓના એક રૃમમાં છાપો મારી પાંચ કરોડની રોકડ રકમ જપ્ત કરી હતી. આ બાબતે પ્રાપ્ત વિગતાનુસાર શિંદે જૂથના નાસિકના સંપર્ક પ્રમુખ જયંત સાઠે અને પક્ષ નિરીક્ષક લલિત વાનખેડે અહીંની રૃમ નં. ૭૦૭માં રોકાયા હતા.
આ સમયે ચૂંટણી પંચના ફલાઈંગ સ્કવોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ રૃમમાં છાપો મારી પાંચ કરોડ રૃપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર રેડિસન બ્લ્યુ હોટલની રૃમ નં. ૭૦૭માંથી શિવસેના (શિંદે જૂથ)ના પદાધિકારીઓને રોકડ રકમનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું તેવી વિગત ફલાઈંગ સ્કવોડને મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. કહેવાય છે કે છાપો માર્યો ત્યારે આ જગ્યાએ નાસિક શહેરના શિંદે જૂથના આજી- માજી નગરસેવકો તેમજ પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા.
આ હોટલમાં શિંદે જૂથના કાર્યકર્તાઓના નામે બે રૃમ બુક કરવામાં આવી હતી. છાપા દરમિયાન એક કાળી રંગની કારમાંથી પૈસા ભરેલી બેગો મળી આવી હતી. ફલાઈંગ સ્કવોડના અધિકારીઓએ પાંચ કરોડમાંથી બે કરોડ રૃપિયાની રકમ જપ્ત કરી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે અન્ય રકમની વિગત મેળવવાનું શરૃ કર્યું હતું. ચૂંટણી પંચની આ કાર્યવાહીને લીધે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.