5.14 કરોડનું શેર ટ્રેડિંગ ફ્રોડઃ ટયુશન ટીચર તથા સિક્યુરીટી ગાર્ડનાં ખાતાંમાં નાણાં જમા

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
5.14 કરોડનું શેર ટ્રેડિંગ ફ્રોડઃ ટયુશન ટીચર તથા સિક્યુરીટી ગાર્ડનાં ખાતાંમાં નાણાં જમા 1 - image


ટયુશન ટીચર અને સિક્યુરિટી ગાર્ડની ધરપકડ

સોફ્ટવેર એન્જિનિયર અને તેનો  પરિવાર જ ભોગ બન્યો : વર્ચ્યુઅલ એકાઉન્ટમાં રૃા. 87.85 કરોડનો  નફો દાખવ્યો પણ ઉપાડી શકાતો ન હતો

મુંબઇ :  પોલીસની સતત ચેતવણી આપી રહે છે છતા શેરબજારમાં રોકાણના બહાને સાયબર ઠગ દ્વારા છેતરપિંડી કરવાના કેસમાં વધારો  થઇ રહ્યો છે.  સાકીનાકામાં સોફ્ટવેર એન્જિનિયર અને  તેના પરિવારે શેર ટ્રેડિંગ ફ્રોડમાં રૃા.૫.૧૪ કરોડ ગુમાવ્યા છે. વોટ્સએપ ગુ્રપમાં એડ કરી અને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી વરર્ચ્યુઅલ એકાઉન્ટ ખોલીને આરોપી કરોડો રૃપિયા ચાઉં કરી ગયા હતા. આ મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરી બેન્ક એકાઉન્ટ અને અન્ય માહિતીના આધારે આરોપી ટયુશન ટીચર અને સિક્યુરિટીગાર્ડની ધરપકડ કરવામાં આવી છે.

સાકીનાકાના રહેવાસી સોફટવેર એન્જિનિયરે એપ્રિલમાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની સાયબર પોલીસનો સંપર્ક કર્યો પછી છેતરપિંડી પ્રકાશમાં આવી હતી.

ફરિયાદીએ દાવો કર્યો હતો કે તે જાન્યુઆરીમાં ઓનલાઇન શેર ટ્રેડર્સના  ગુ્રપમાં જોડાયો હતો. તેણે શેર ટ્રેડિંગમાં રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેના લીધે આરોપીએ તેને કોલ કર્યો હતો. ફરિયાદીને શેર ટ્રેડિગની ટ્રેનિંગ લેવાનું કહેવામાં આવ્યું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

ફરિયાદીએ સાયબર ગેંગના કહેવાથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. તેનું વર્ત્યુઅલ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું.

સોફટવેર એન્જિનિયરે પૈસાનું રોકાણ કરવાનું અને શેર ટ્રેડિંગમાં નફો કમાવવાનું શરૃ કર્યું હતું. આથી તેને આરોપી પર વિશ્વાસ થઇ ગયો હતો.  ફરિયાદીએ તેના પરિવારોના સભ્યો પણ રોકાણ કરવા સમજાવ્યા  હતા. આમ સોફટવેર એન્જિનિયર અને તેના કુટુંબીજનોએ બે મહિનામાં આરોપીના વિવિધ બેન્ક ખાતામાં રૃા.૫.૧૪ કરોડ  ટ્રાન્સફર કર્યા હતા.

તેઓ વર્ચ્યુઅલ એકાઉન્ટમાં રૃા.૮૭.૮૫ કરોડના નફો થયો હોવાનું જોઇ શકતા હતા. પરંતુ આ રકમ ઉપાડી  શક્યા નહોતા.

પોલીસે  આ પૈસા કોના ખાતામાં જમા થયા છે તેની તપાસ કરી હતી.  જેના આધારે સિક્યુરિટી ગાર્ડ હમપ્રીતસિંહ રંધવા (ઉ.વ.૩૪)ની પકડવામાં આવ્યો હતો.

વિરારના રહેવાસી હમપ્રીત સિંહે આપેલી માહિતીના આધારે શિક્ષક વિમલપ્રકાશ ગુપ્તા (ઉ.વ.૪૫)ની ગોરેગાવથી ધરપકડ કરાઇ હતી. આ ટોળકીના અન્ય આરોપીને પકડવા પોલીસે વધુ તપાસ આદરી છે.

ટેલિગ્રામ એપ દ્વારા શિક્ષકનો ભેટો સાયબર ઠગો સાથે થયો હતો

સાયબર ગેંગ શેર ટ્રેડિંગ છેતરપિંડીથી મેળવેલી રકમ જમા કરવા જુદી જુદી વ્યક્તિ પાસે બેન્કમા ખાતા ખોલાવતા હતા. આરોપી સિક્યુરિટી ગાર્ડ હમપ્રીતસિંહનું બેન્ક ખાતું  શિક્ષક વિમલપ્રકાશે ખોલાવ્યું હતું. પછી નાણાકીય વ્યવહારો માટે સાયબર છેતરપિંડી કરનારાઓને આપ્યું હતું.

ટેલિગ્રામ એપ દ્વારા ગુપ્તા સાયબર ઠગના સંપર્કમાં આવ્યો હતો. આ ટોળકીએ છેતરપિંડીની રકમ જમા કરવા માટે બેન્ક ખાતા ખોલવા મદદ કરવા  ગુપ્તાને પૈસાની ઓફર કરી હતી.

પોલીસ બેન્ક ખાતા અને સાયબર ટોળકીની માહિતી મેળવવા ગુપ્તાની પૂછપરછ કરી રહી છે.



Google NewsGoogle News