48 બોટસ, 764 લાઈફગાર્ડસ ગણેશ વિસર્જન માટે તૈનાત

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
48 બોટસ, 764 લાઈફગાર્ડસ ગણેશ વિસર્જન માટે તૈનાત 1 - image


જુદા જુદા બીચ પર 1 હજારથી વધુ ફલડલાઈટસ

ચોપાટીના કિનારે 568 સ્ટીલ પ્લેટ્સ બિછાવાઈ, 60 વોચ ટાવર સાથે 71 કન્ટ્રોલ રુમ ઊભા કરાયા

મુંબઇ :  અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન માટે શહેરના જુદા જુદા બીચ પર બીએમસી દ્વારા ૭૬૪ લાઈફગાર્ડસ સહિત દસ હજાર કર્મચારીઓનો કાફલો તૈનાત કરાશે. 

જુદા જુદા દરિયાકિનારા ઉપરાંત ૬૯ નૈસર્ગિક અને ૧૯૮ તળાવમાં વિસર્જનની વ્યવસ્થા કરાઈ છે. 

મુખ્ય અને મહત્તમ વિસર્જન ચોપાટીના કિનારે થશે. ત્યાં રેતીમાં ગણપતિ પ્રતિમાઓનાં વાહનો ન ફસાય તે માટે ૪૬૮ સ્ટીલ પ્લેટ બિછાવાઈ છે. જુદાં જુદાં સ્થળે વિસર્જન માટે ૪૬ જર્મન બોટ્સ મૂકવામાં આવી છે. 

આ ઉપરાંત   દરિયા કિનારે ૭૬૪ લાઇફગાર્ડસ સહિત ૪૮ મોટરબોટ તહેનાત કરાઇ છે. ૧૫૦ નિર્માલ્ય કળશ સહિત ૨૮૨ નિર્માલ્ય વાહનની સુવિધા  રહેશે. 

પાલિકા દ્વારા ૭૧ કન્ટ્રોલ રુમ સ્થપાયા છે. ૬૦ વોચ ટાવર હશે. ૭૫ પ્રાથમિક સારવાર કેન્દ્રો અને ૬૧ એમ્બ્યુલન્સને પણ કોઈપણ દુર્ઘટનાને પહોંચી વળવા સજ્જ રખાશે. 

 દરિયા  કિનારોઓ પર  ૧૦૮૩ ફ્લડલાઇટ અને ૨૭ સર્ચ લાઇટ લગાડવામાં આવી  છે. ૧૨૧ મોબાઇલ શૌચાલયોની વ્યવસ્થા કરાઇ હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. કટોકટીના સમયે પહોંચી વળવા માટે અગ્નિશમન દળ વાહનો સહિત પ્રશિક્ષિત જવાનો  તૈનાત કરવામાં આવશે. 

ગુરુવારે ભરતી અને ઓટનો સમય

ગુરુવાર, અનંત ચતુર્દશીના દિવસે સમુદ્રમાં સવારે ૧૧ વાગ્યે ભરતી છે. દરિયામાં ૪.૫૬ મીટર ઉંચા મોજા ઉછળશે.  સાંજે ૫.૦૮ વાગ્યે ઓટ છે. રાત્રે ૧૧.૨૪ કલાકે દરિયામાં ભરતી છે. દરિયામાં ૪.૪૮ મીટર સુધી ઉંચા મોજા ઉછળશે. 

જેલીફિશ અને સ્ટિંગરે માછલીથી સાવધાન

ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન મુંબઇના દરિયા કિનારે 'બ્લ્યુ બટન જેલી ફિશ' અને ''સ્ટિંગ-રે'' પ્રજાતિની માછલીઓ વધારે જોવા મળે છે. આ પાર્શ્વભૂમિ પર વિસર્જન દરમિયાન આ માછલીઓ કરડે (ડંખે) નહિ તે માટે સાવચેતી રાખવા ગણેશ ભક્તોને પાલિકાએ અપીલ કરી છે.

માછલી કરડવાની ઘટના બની તો ચોપાટીના પરિસરમાં મેડિકલ રૃમ સુસજ્જ રાખવામાં આવ્યો છે. આ સિવાય ૧૦૮  એમ્બ્યુલન્સ તહેનાત કરાઇ છે.



Google NewsGoogle News