બિલ્ડર લલિત ટેકચંદાની દ્વારા ફલેટ વેચવાના નામે 103 લોકો સાથે 44 કરોડની ઠગાઈ

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
બિલ્ડર લલિત ટેકચંદાની દ્વારા ફલેટ વેચવાના નામે 103 લોકો સાથે 44 કરોડની ઠગાઈ 1 - image


બિલ્ડર, તેની પત્ની તથા ભાગીદારો સામે લૂક આઉટ નોટિસ

સુપ્રીમ કન્સ્ટ્ર્કશનના તળોજા ખાતેના પ્રોજેક્ટમાં સેંકડો લોકોએ રોકાણ કર્યું હતું, બાંધકામ અટકી ગયું અને પૈસા પણ પાછા ન મળ્યા

મુંબઈ :  ફલેટ ખરીદનારા ૧૩૦ જણ સાથે અંદાજે રૃ.૪૪ કરોડની છેતરપિંડી કરવાના આરોપસર મુંબઈના બિલ્ડર, તેની પત્ની બિઝનેસ પાર્ટનર્સ અને અન્ય સામે બે અલગ- અલગ કેસ નોંધવામાં આવ્યા છે. મુંબઈ અને નવી મુંબઈ પોલીસે આ કાર્યવાહી કરી કરી હતી, એમ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.

મુંબઈ પોલીસે આ સંબંધમાં બિલ્ડર લલિત ટેકચંદાની અને તેની કંપની  સુપ્રીમ કન્સ્ટ્રકશનમાં બિઝનેસ પાર્ટનર્સ વિરુદ્ધ લુક આઉટ નોટિસ પર જારી કરી છે.

મુંબઈમાં ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ટેકચંદાની તેની પત્ની કાજલ અને અરૃણ મખીજાની મનુલ્લા કાંચવાલા, મીઝા હસન ઈબ્રાહિમ સહિત કન્સ્ટ્રકશન કંપનીના ડાયરેકટરો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, એમ ઓફિસરે જણાવ્યું હતું.

હીરા મેઘરાજ જાધવાનીએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે તેણે નવી મુંબઈના તળોજા ખાતે ટેકચંદાનીના હેક્સ સિટી પ્રોજેકટમાં રૃ.૩૬ લાખનું રોકાણ કર્યું હતું.  કંપનીના એક્ઝિકયુટીવ મખીજાએ તેમને ખાતરી આપી હતી કે પ્રોજેકટ ૨૦૧૭માં તૈયાર થઈ જશે. જો કે ૨૦૧૬માં તેનું બાંધકામ અચાનક બંધ થઈ ગયું હતું.

ટેકચંદાનીના પ્રોજેક્ટમાં સેંકડો ફલેટ ખરીદનારાઓએ રોકાણ કર્યું હતું. પરંતુ તેમને ફલેટ કે પૈસા પાછા મળ્યા નહોતા, એમ ફરિયાદમાં જણાવાયું છે.

આ મામલે કલમ ૪૨૦, ૪૦૬ હેઠળ કેસ નોંધાયા બાદ પોલીસે ટેકચંદાની અને તેની વ્યવસાયિક ભાગીદારો સામે લુક આઉટ નોટિસ જારી કરી છે. એમ એક અધિકારીએ વધુમાં જણાવ્યું હતું. 

નવી મુંબઈના તળોજા પોલીસ સ્ટેશનમાં મંગળવારે બીજી એફઆઈઆર નોંધવામાં આવી હતી. નવી મુંબઈમાં ખારઘરમાં કંપનીના એક હાઉસિંગ પ્રોજેકટમાં આરોપીઓ દ્વારા ૧૬૦ લોકો સાથે રૃ.૪૪ કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આ એફઆઈઆરમાં ઉલ્લેખ છે, એમ અન્ય એક ઓફિસરે કહ્યું હતું.



Google NewsGoogle News