કલ્યાણમાં ભારે વરસાદને લીધે પીસવલીના 400 ઘરોમાં પાણી ભરાયું

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
કલ્યાણમાં ભારે વરસાદને લીધે પીસવલીના 400 ઘરોમાં પાણી ભરાયું 1 - image


મહાપાલિકાનો નાળા-ગટર સફાઇનો દાવો પોકળ

તપાસ માટે ગયેલા આસિ. કમિશનરને ઘેરાવ : ઉલ્હાસનગરમાં ફાયર બ્રિગેડનો બંબો ખૂંચી ગયો

મુંબઇ : કલ્યાણ- ડોમ્બિવલી અને ઉલ્હાસનગરમાં ગુરુવારે તૂટી પડેલા જોરદાર વરસાદે મહાપાલિકાના નાળા-ગટર સફાઇના દાવા ઉપર પાણી ફેરવી દીધું હતું.કલ્યાણ-શીળ રોડ પર પિસવલી વિસ્તારના ૪૦૦થી વધુ ઘરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઇ જવાથી માલમત્તાને ભારે નુકસાન થયું હતું. ઉશ્કેરાયેલા લોકોએ સ્થિતિનો તાગ મેળવવા ગયેલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને જ ઘેરાવ કર્યો હતો.

હેલા જ વરસાદમાં સફાઇના દાવા પોકળ પૂરવાર થતા લોકોએ મહાપાલિકા પાસે નુકસાનીનું વળતર માગ્યું છે. ગુરુવારે સવારથી જોરદાર વરસાદ પડવા માંડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવા માંડયું હતું. ઘરમાં પાણી ભરાતા અનાજ, ગાદલા- ગોદડા, ઘરવખરી અને બીજો સામાન પલળી ગયો હતો. 

પીસવલીમાં ૪૦૦ ઘરોમાં પાણી ભરાયું એ વિસ્તારમાં નાળાના પ્રવાહને એક બિલ્ડરે રૃંધી નાખ્યો હતો અને બાંધકામ ઊભું કરી નાખ્યું હતું. કલ્યાણ- ડોમ્બિવલી મહાપાલિકાએ આ બાબત તરફ ધ્યાન ન આપ્યું એને કારણે સેંકડો લોકોએ સહન કરવાનો વારો આવ્યો એવો મુદ્દો ઉઠાવીને મહાપાલિકા પર માછલાં ધોવામાં આવ્યા હતા.

ઉલ્હાસનગર અને દિવામાં પણ નાળા સફાઇના અભાવને કારણે પહેલા વરસાદમાં જ જળબંબાકાર સ્થિતિ સર્જાઇ હતી. ઉલ્હાસનગરમાં શાંતિનગરના મુખ્ય રસ્તા પર એટલું પાણી ભરાઇ ગયું હતું કે વાહન- વ્યવહાર થંભી ગયો હતો. એટલે પાણીના નીકાલ માટે ઉલ્હાસનગર પાલિકાના કર્મચારીઓ કામે લાગ્યા હતા અને ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. આ દરમિયાન ઉલ્હાસનગર કેમ્પ નંબર ૪માં વૃક્ષ તૂટી પડતા ફાયર બ્રિગેડનો બંબો ત્યાં જવા નીકળ્યો હતો, પરંતુ આ બંબાના આગળ અને પાછળના વ્હીલ કાદવમાં ખૂંચી ગયા હતા એટલે બીજો બંબો મોકલવો પડયો હતો.



Google NewsGoogle News