ટીવી સિરિયલ બનાવવાના નામે ફાઈનાન્સર સાથે 40 લાખની છેતરપિંડી
દૂરદર્શન માટે જયભારતી સિરિયલ બનાવવા પૈસા લીધા
સિરિયલ બનાવવાની જગ્યાએ નાણા અન્ય હેતુઓ માટે વાપરી નાખ્યા, 4 લાખનું વ્યાજ ચૂકવ્યા બાદ રકમ પાછી ન આપી
મુંબઇ : ગોરેગાવ પોલીસે એક ફિલ્મ નિર્માતા અને સ્ક્રિપ્ટ રાઇટરની કથિત રીતે એક ફાઇનાન્સર સાથે ૪૦ લાખ રૃપિયાની છેતરપિંડી કરવાના આરોપસર ગુનો નોંધાયાના બે મહિના બાદ ધરપકડ કરી હતી.
આ ફિલ્મ નિર્માતાએ દૂરદર્શન પર પ્રસારિત થનારી ટેલિવિઝન સિરિયલના નિર્માણ માટે ભંડોળ પેટે આ પૈસા વ્યાજે લીધા હતા. નિર્માતાની ધરપકડ ગયા અઠવાડિયે થઇ હતી અને કોર્ટે તેને અદાલતી કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર જોગેશ્વરીના રહેવાસી અને ફરિયાદી સમીર સિંહ રિયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે. આ ઉપરાંત તેઓ ફિલ્મ ઉદ્યોગમાં રોકાણ કરવાની સાથે જ નિર્માતા અને અભિનેતા પણ છે. તેમણે ઘણી સિરિયલો, વેબ સિરીઝ અને મૂવીઝને ફાઇનાન્સ પણ કર્યું છે. માર્ચ ૨૦૨૩માં તેમના એક મિત્રએ તેમનો પરિચય પાંડે સાથે કરાવ્યો, જેઓ દૂરદર્શન પર સિરિયલ જયભારતી શરૃ કરવા માંગતા હતા, પાંડેએ ચેનલ સાથે કરાર કર્યો હતો પણ નાણાકીય તંગીને કારણે સિરિયલ શરૃ તઇ શકી નહોતી. ત્યાર પછી પાંડેએ સમીર સિંહને સિરિયલ માટે નાણાંકીય મદદ કરવા વિનંતી કરી હતી. સિંહે પ્રસાર ભારતી સાથેના પાંડેના કરારની સમીક્ષા કર્યા પછી સિરિયલ માટે નાણા આપવાની સંમતિ દર્શાવી હતી.
ફરિયાદી અને આરોપી પાંડે વચ્ચે વ્યાજ સહિત વિવિધ હપ્તામાં ૪૦ લાખની રકમ ચૂકવવા બાબતે કરાર થયા હતા. જો કે કરાર મુજબ પાંડેએ સિંહને પાંચ મહિનામાં વ્યાજ પેટે ફક્ત ચાર લાખની રકમ ચૂકાવી હતી. અને બાદમાં ચૂકવણી કરવાનું જ બંધ કરી દીધું હતું. આ બાબતે સિંહે ઘણીવાર રિમાઇન્ડર આપ્યા બાદ પણ પાંડેએ રકમ ચૂકવવાનું ટાળ્યુ ંહતું. પાછળથી સિંહને જાણવા મળ્યું હતું કે પાંડેએ સિરિયલ શરૃ કરી ન હતી અને અંગત ઉપયોગ માટે નાણાનો દુરુપયોગ કર્યો હતો. આ ઘટના બાદ સિંહની ફરિયાદને આધારે ગોરેગાવ પોલીસે આઇપીસીની કલમ ૪૦૬ (વિશ્વાસ ભંગ), ૪૨૦ (છેતરપિંડી)ના આરોપસર પાંડે વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પાંડેએ આ રીતે સિરિયલ બનાવવાને બહાને અન્ય લોકો સાથે કોઇ છેતરપિંડી કરી છે કે કેમ તે બાબતની તપાસ પણ હાથ ધરી છે.