અલિબાગના ઐતિહાસિક દત્ત મંદિરમાંથી 40 કિલો ચાંદીની ચોરી
- સીસીટીવી ફૂટેજને આધારે ચોરટાઓને પકડવાનો પ્રયાસ
મુંબઇ: અલિબાગ તાલુકાના ચૌલ-ભોવાલે ગામે દત્ત મંદિરમાંથી 40 કિલો ચાંદીની ચોરી થઇ હતી. ગુરુવારે મધરાતે અજ્ઞાાત ઇસમો મંદિરમાં ઘૂસ્યા હતા અને મૂર્તિના પાછળના ભાગમાં જડવામાં આવેલી બધી જ ચાંદી ઉખેડીને પલાયન થઇ ગયા હતા.
ચૌલ ગામનું આ ઐતિહાસિક મંદિર 160 વર્ષ જૂનું છે. ટેકરી ઉપરના દત્ત મંદિર સુધી પહોંચવા 700 પગથિયાં ચડીને જવું પડે છે. દર ડિસેમ્બર મહિનામાં પાંચ દિવસની મોટી જાત્રા યોજાય છે.
પોલીસે જણાવ્યું હતું કે 11મી ડિસેમ્બરે પાંચ દિવસની જાત્રા પુરી થયા બાદ ગુરુવારે મોડી રાત્રે ચાંદીની ચોરી થઇ હતી. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસે મેળવ્યા છે અને તેને આધારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ માટે પોલીસની વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી છે.