'ચંદામામા'ની માલિકી ધરાવતી પેઢીની 40 કરોડની મિલકતો ઇડીએ જપ્ત કરી
26 ફલેટ તથા દુકાનો સહિતની મિલ્કતો જપ્ત
મુંબઈના અંધેરીમાં ફરિયાદ થઈ હતીઃ શેલ કંપનીમાં મોટી રકમ ટ્રાન્સ્ફર કરવામાં આવી હોવાનું જણાયું
મુંબઇ : એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) એ સોફટવેર કંપની મેસર્સ જીઓડેસિક લિમિટેડ (જીએલ) સામેના કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ૨૦૦૨ની જોગવાઇઓ હેઠળ રૃા.૪૦.૬૨ કરોડની મિલકતો અસ્થાયીરૃપે જપ્ત કરી હતી. આ ફર્મ બાળકોના લોકપ્રિય સામયિક 'ચંદામામા'ની પણ માલિકી ધરાવે છે.
ઇડીએ જપ્ત કરેલી મિલકતો વિવિધ કંપનીઓ અને વ્યક્તિઓના નામે ૨૬ રેસિડેન્શિયલ ફલેટ અને દુકાનોના રૃપમાં છે. આ મિલકતો મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં આવેલી છે. તેવું એજન્સીએ સોમવારે જણાવ્યું હતું. ઇડીનો આ કેસ ૨૦૧૮માં મુંબઇના અંધેરી એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઇઆર આધારિત છે. આ એફઆઇઆરમાં શેરધારકો અન્યો સાથે ૧૨૫ મિલિયન યુએસ ડોલર્સની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.
ઇડીની તપાસમાં એવું બહાર આવ્યું હતું કે મેસર્સ જીઓડેસિક લિ.ના સંયુક્ત સાહસ સંપૂર્ણ માલિકીની પેટા કંપનીમાં વિદેશી સંવાદન અને રોકાણના હેતુ માટે ૨૦૦૮માં એફસીસીબી ૧૨૫ મિલિયન યુએસ ડોલર્સ સુધી એકત્ર કરવામાં આવ્યું હતું. જોકે અન્ય વિદેશી કંપનીઓમાં રોકાણ/ધિરાણની પ્રવૃત્તિઓ માટે એફસીસીબી ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમૂક ભંડોળ જીઓડેસિકના ભારતીય ખાતામાં પણ ટ્રાન્સ્ફર કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે જીઓડેસિક લિ. તરફથી શેલ કંપનીઓમાં મોટી રકમ ટ્રાન્સ્ફર કરવામાં આવી હતી. આ પહેલા કંપનીના ડાયરેકટરોની ૧૬.૫૨ કરોડની સ્થાવર મિલકતો ઇડી દ્વારા જપ્ત કરવામાં આવી હતી.