ટોઇંગ વેને એસયુવીને ટક્કર મારતા 4 યુવાનોના મોત, 2 ગંભીર જખમી
મુંબઇ-ગોવા હાઇવે પર બની ગમખ્વાર ઘટના
1 યુવતી મોબાઇલ પર વાત કરવા કારમાંથી બહાર નીકળતા બચી ગઇ
મુંબઇ - મુંબઇ-ગોવા હાઇવે પર વીર રેલ્વે સ્ટેશન નજીક રસ્તા પર ઉભેલી એક એસયુવીને પાછળથી પૂરઝડપે ટોઇંગ વેને ટક્કર મારતા થયેલ ગમખ્વાર અકસ્માતમાં ચાર યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે આ ઘટનામાં બે યુવાનો ગંભીર ઇજા પામ્યા હતા. આ ઘટના શુક્રવારે મધરાતે બની હતી. મહાડમાં રહેતા આઠ મિત્રો મોડી રાત્રે કોફી પીવા નીકળ્યા હતા પણ તેમાંથી ચાર યુવાનોને કાળ ભરખી ગયો હતો.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર મહાડના આઠ મિત્રો શુક્રવારે મધરાતે કોફી પીવા પ્રસાદ નાટેકર (૨૫) નામના યુવાનની એસયુવીમાં પાસેના લોણેરે જવા નીકળ્યા હતા. આ લોકો વીર રેલવે સ્ટેશન પાસે પહોંચ્યા ત્યારે હાઇવે પર ડિઝલ ખૂટી પડતા એસયુવી અધવચ્ચે જ અટકી પડી હતી. આ સમયે પૂરઝડપે આવી રહેલ એક ટોઇંગવેને પાછળથી એસયુવીને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત થયો હતો અને એસયુવી ૫૦ ફૂટ દૂર સુધી હવાઇમાં ફંગોળાઇ હતી.
આ સમયે મિત્રો સાથે કોફી પીવા બહાર આવેલી ફરિયાદી આર્યા મહાડીક (૧૯) મોબાઇલ પર વાત કરવા એસયુવીમાંથી બહાર આવી તેથી તેનો ચમત્કાલિક બચાવ થયો હતો. આ સંદર્ભે રાયગઢના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ અભિજીત શિવતારેએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં સુર્યકાંત મોરે (૨૭) સાહિલ ઉર્ફે ઋત્વિક શેલાર (૨૫) નોટકર (૨૫) સુધીર ભિંડે (૩૫)નું મોત થયું હતું જ્યારે શુભમ મટાલ (૨૭) સુરજ નલાવડે (૩૪)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસ આ સમગ્ર ઘટના બાબતે વધુ તપાસ ચલાવી રહી છે.