પોલીસ ભરતીમાં ઉત્તેજક ડ્રગ્સના ઉપયોગ માટે 4 ઉમેદવાર સામે ગુનો
મીરા-ભાયંદરમાં શારીરિક કસોટી વખતે દવા મળી હતી
3 ઉમેદવારો પાસેથી ઉત્તેજક દવા અને સિરિંજ મળી આવી
મુંબઇ : થાણે જિલ્લાના મીરા-ભાયંદરમાં પોલીસ ભરતી દરમિયાન ઉમેદવારોની સુસજતાની ટેસ્ટ દરમિયાન ઉત્તેજક દવાઓનો ઉપયોગ કરવાના આરોપસર પોલીસે ચાર ઉમેદવારો સામે ગુનો નોંધ્યો હતો.
આ સંદર્ભે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મીરા-ભાયંદરમાં ૨૪ જૂન અને ૧ જુલાઈની વચ્ચે પોલીસ ભરતી માટે ઉમેદવારોની ફિલ્ડ ટેસ્ટ અને શારીરિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ સમયે એન્ટિ નાર્કોટિક્સ સેલના કર્મચારીને ત્રણ ઉમેદવારો પાસેથી ઉત્તેજક દવા અને સીરિંજ મળી આવી હતી. પોલીસે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે ૩૦ જૂનના રોજ ટેસ્ટ દરમિયા અન્ય એક ઉમેદવાર પણ આવી જ ઉત્તેજક દવા સાથે મળી આવ્યો હતો.
આ ચારેય ઉમેદવારોની તબીબી તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ આ ચારેય ઉમેદવારો સામે મીરા રોડ પોલીસ સ્ટેશનમાં ૨૮ અને ૩૦ જૂનના આઇપીસી અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.