મુલુંડમાં ઑડીના ડ્રાઇવરે દારૃના નશામાં 2 રિક્ષાને અડફેટમાં લેતા 4 ઘાયલ
મુંબઇમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના
હોટેલમાં પાર્ટીમાંથી આવી રહેલા સોફ્ટવેર કંપનીના કર્મચારીની બહેનના ઘરેથી ધરપકડ
મુંબઇ : વરલી બીએમડબલ્યુ કાર અકસ્માતના કેસની તપાસ ચાલી રહી છે. ત્યારે મુંબઇના મુલુંડમાં આજે સવારે ફરી હિટ એન્ડ રનની ઘટના બનતા ચકચાર જાગી છે. મુલુંડમાં સોફ્ટવેર કંપનીના કર્મચારીએ બેદરકારીપૂર્વક ઓડી કાર દોડાવીને બે રિક્ષાને અડફેટમાં લેતા ચારને ઇજા થઇ હતી. અકસ્માત વખતે આરોપી દારૃના નશામાં હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડયું છે. તે હોટેલમાં પાર્ટી કરીને આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. હિટ એન્ડ રન બાદ આરોપીને તેની બહેનના ઘરેથી ઝડપી લેવામાં આવ્યો હતો.
મુલુંડમાં ડમ્પિંગ રોડ પર આજે સવારે ૬.૧૫ વાગ્યે આ ઘટના બની હતી. કાંજુરમાર્ગમાં રહેતો દત્તાત્રે ગોરે (ઉં.વ. ૪૩) અકસ્માત બાદ ઘટના સ્થળે કાર છોડીને ભાગી ગયો હતો. પોલીસે આ કાર જપ્ત કરી હતી. પોલીસે આરોપીની તેની બહેનના ઘરેથી ધરપકડ કરી છે. તેની સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ અને મનોટર વેહીકલ એકટ હેઠળ કેસ નોંધ્યો છે. અકસ્માતમાં કાર અને રિક્ષાને નુકસાન થયું હતું.
મુલુંડ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અજય જોશીએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે આરોપી સોફ્ટવેર કંપનીમાં નોકરી કરે છે. તેણે બેફામપણે કાર દોડાવીને એક રિક્ષાને અડફેટમાં લીધી હતી. પછી આ રિક્ષાની બીજી રિક્ષા સાથે અથડામણ થઇ હતી. રિક્ષાના બે ડ્રાઇવર અને બે પ્રવાસી ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ તપાસ માટે પહોંચી ગઇ હતી. ઇજાગ્રસ્ત ચારને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની તબીયત સ્થિર છે. હોટેલમાં પાર્ટી કરીને આરોપી કારમાં પાછો આવી રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો. ફરાર આરોપીને પકડીને તેના બ્લડ સેમ્પલ કાલીના ફોરોન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અકસ્માત વખતે તે દારૃના નશામાં હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડયું છે.
આ ગુનામાં પોલીસ વધુ માહિતી મેળવી રહી છે.તાજેતરમાં વરલીમાં બીએમડબલ્યુ કાર ચાલકે દારૃના નશામાં સ્કૂટરને ટક્કર મારતા એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. અને તેનાપતિને ઇજા થઇ હતી. આ બનાવ બાદ નાસી ગયેલા આરોપીની ધરપકડ કરાઇ હતી. બીજી તરફ ગુનામાં મદદ કરનારા તેના પિતા અને ડ્રાઇવરને પણ પકડવામાં આવ્યા હતા. અગાઉ પુણેના પોર્શે કાર અકસ્માતને લીધે પણ સંપૂર્ણ રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો ૧૭ વર્ષીય વિદ્યાર્થીએ દારૃ ગટગટાવીને બાઇકને અડફેટમાં લેતા બેના મોત નિપજ્યા હતા. આ મામલામાં તરુણ ઉપરાંત તેના માતા, પિતા, દાદા, હોસ્પિટલના બે ડોક્ટર, કર્મચારી અને અન્યની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીના હોસ્પિટલમાં બ્લ્ડ સેમ્પલ બદલી કરાયા અને તેને બચાવવાના તમામ પ્રયત્ન કરવામાં આવ્યા હતા.