નાગપુરના અભયારણ્યમાં ટુરિસ્ટોની 4 જીપ્સીએ વાઘણ અને બચ્ચાંને ઘેરી લીધા
વાઘણ હુમલો કરે એવાં જોખમ વચ્ચે ખતરનાક ખેલ
1 ગાઇડે વાઘણ સાથે સેલ્ફી ખેંચી
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જીપના ડ્રાઇવરો અને ગાઇડને સસ્પેન્ડ કર્યા
મુંબઈ - નાગપુર નજીક ઉમરેડ-પાઓની-કરહાંડલા વાઇલ્ડ લાઇફ સેન્કચુરીમાં ટુરિસ્ટોથી ભરેલી ચાર જીપ્સીએ વાઘણ અને તેના ચાર બચ્ચાને ઘેરી લીધા એ ઘટનાની વિડિયો વાઇરલ થયા બાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જીપ્સીના ચાર ડ્રાઇવરો અને ચાર ટુરિસ્ટ ગાઇડને સસ્પેન્ડ કર્યા હતાં અને દંડ ફટકાર્યો હતો. વિફરેલી વાઘણ હુમલો કરી બેસે એવાં જોખમ વચ્ચે ટુરિસ્ટો ફોટા ફાડતાં રહ્યા હતા અને વિડિયો ઉતારતા રહ્યા હતાં.
શુક્રવારે આ અભ્યારણ્યમાં એક વાઘણ તેના પાંચ બચ્ચાં સાથે જઈ રહી હતી ત્યારે ચાર ટુરિસ્ટ જીપ્સીએ તેમને રીતસર ઘેરી લીધા હતા. પર્યટકો ભાગ્યે જ જોવા મળે એવાં આ દ્રશ્યની મોબાઇલથી વિડિયો ઉતારવા માંડયા હતા, પરંતુ પ્રાણીની અવરજવર આ રીતે રૃંધવા માટે તેમ જ વાઘ પરિવારની આટલી નજીક વાહનો લઈ જઈને ટુરિસ્ટોના જીવ જોખમમાં મૂકવા બદલ ચાર ગાઇડોને સાત દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. દરેક ડ્રાવઇવરને ૨૫૦૦ રૃપિયાનો અને દરેક ગાઇડને ૪૫૦ રૃપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.
વાઇરલ થયેલી વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વાઘણ અને તેના બચ્ચાંનો માર્ગ બન્ને બાજુ જીપ્સી ઊભી રાખીને રીતસર રુંધી નાખવામાં આવ્યો હતો. એક ગાઇડ તો વાઘમ સાથે સેલ્ફી લેતો નજરે પડયો હતો.
વાહનોની ઘરઘરાટી અને એક સાથે આટલા બધા ટુરિસ્ટોના ઘોંઘાટથી વાઘણને ખલેલ પડતા એ ઘૂરકિયા કરવા માંડી હતી.
ફોરેસ્ટ ખાતાની ગાઇડલાઇન્સ મુજબ અભ્યારણ્યમાં કોઈ પણ ટુરિસ્ટ વેહિકલને પ્રાણીથી ૫૦ મીટર દૂર ઊભું રાખવું જોઈએ. એમાં પણ જ્યારે વન્ય પ્રાણીના બચ્ચાં જતા હોય ત્યારે તો કોઇ ટુરિસ્ટ વેહિકલ તેને અટકાવી જ ન શકે, પરંતુ ગઈ કાલની ઘટનામાં પર્યટકોના વાહનો વાઘણ અને બચ્ચાંની એકદમ નજીક લઈ જઈને રીતસર ઘેરી લેવામાં આવ્યાં હતો. પાર્કના સત્તાવાળાએ વિડિયોને આધારે તપાસ કરી હતી અને વાઇલ્ડલાઇફને લગતી ગાઇડલાઇનનું ઉલ્લંધન થયું હોવાની બાબતને પુષ્ટિ આપી હતી. હજી આ મામલાની તપાસ ચાલુ જ હોવાથી વધુ દંડાત્મક પગલાં લેવામાં આવશે.
પેંચ ટાઇગર રિઝર્વ અને ઉમરેડ-પાઓની-કરહાંડલા વાઇલ્ડ લાઇફ સેન્ક્ચ્યુરીના ડેપ્યુટી ડાયરેક્ટ ડો. પ્રભુનાથ શુક્લએ રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરતી ઉકેને તત્કાળ પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. ગોઠણગાંવ લેક પાસેની આ ઘટના વખતે વાઘણ હુમલો કરી બેસે એવું પૂરેપૂરું જોખમ હોવા છતાં જીપ્સી ડ્રાઇવરો ટુરિસ્ટોને તેની સાવ નજીક લઈ ગયા હતા.