બીડ પાસે કાર અને ટ્રક અથડાતાં 4 મિત્રોનાં મોત
મિત્રને એસઆરપીએફમાં નોકરી મળતા પાર્ટી કરવા ગયા હતા
મુંબઇ : એક મિત્રને એસઆરપીએફમાં નોકરી મળતા તેની પાર્ટી કરવા ગયેલા ચાર મિત્રોનું કાર અને ટ્રકની ભીષણ અથડામણમાં મોત થયું હતું. આ ઘટનામાં અન્ય બે મિત્રો ગંભીર ઇજા પામતા તેમને અંબેજોગાઇની સ્વામી રામાનંદ તીર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ભીષણ અકસ્માત બીડ જિલ્લાના વાધાળા ખાતે આજે વહેલી સવારે બન્યો હતો. આ ઘટનાને લીધે રેણાપુર તાલુકાના કારેપૂર ગામમાં શોકકશા પ્રસરી ગઇ છે કારણ કે મૃતક તમામ યુવાનો આ ગામના રહેવાસી હતા.
આ સંદર્ભે વધુ વિગત આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રેણાપુર તાલુકાના કારેપૂર ગામના યુવાન અઝીમ પાશામિયા શેખ (૨૮)ને પુણે પાસેના દૌંડ સ્થિત એસઆરપીએફમાં નોકરી મળી હતી. નોકરી મળવાની ખુશીમાં અઝીમે અન્ય મિત્રોને પાર્ટી અપવાનું નક્કી કર્યું હતું. તે મુજબ ગામના કુલ છ મિત્રો સોમવારે રાત્રે સાડા નવ વાગ્યે કાર લઇ બીડ પાસેના માંજરસુંબા ગામમાં પાર્ટી માટે ગયા હતા. આ લોકો પાર્ટી પતાવી ગામમાં પાછા આવી રહ્યા હતા ત્યારે છત્રપતિ સંભાજીનગર અને લાતૂર હાઇવે પર વાધાળા (તા. અંબેજોગાઇ) પાસે તેમના કારની સામેથી આવી રહેલ ટ્રક સાથે જોરદાર અથડામણ થઇ હતી.
આ ગમખ્વાર ઘટનામાં બાલાજી શંકર માને (૨૭) દિપક દિલીપ સાબેર (૩૦) અને ફારુખ બાબુમિયા શેખ (૩૦)નું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક યુવક ઋતિક હનુમંત ગાયકવાડ (૨૪)નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
આ ઘટનામાં અઝીમ પાશમિયા શેખ અને મુબારક સત્તાર શેખ (૨૮)ને ગંભીર ઇજા થતા તેમને વધુ સારવાર માટે સ્વામી રામાનંદ તિર્થ હોસ્પિટલ ૯અંબેજોગાઇ)માં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે અકસ્માત મૃત્યુનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.