પાલઘરમાં વિસર્જન દરમિયાન ડૂબી જતાં 4નાં મોત

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
પાલઘરમાં વિસર્જન દરમિયાન ડૂબી જતાં 4નાં મોત 1 - image


3 નદીમાં તણાયા, 1નું તળાવમાં ડૂબી જતા મોત

ફાયર બ્રિગેડની ટીમે તમામ મૃતદેહ શોધી કાઢ્યા

મુંબઈ :  બુધવારે દરેક જગ્યાએ દોઢ દિવસના ગણપતિને ભારે ધામધૂમથી વિદાય આપવામાં આવી રહી હતી ત્યારે બીજી તરફ પાલઘર જિલ્લાના ચાર ઘરોમાં શોકનો માહોલ છવાયો હતો. જિલ્લાના વાડા અને વિરારમાં ગણપતિ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી ચાર લોકોના મોત થયા છે. 

પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તમામ મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. સંજય હરિશ્ચંદ્ર પાટીલ (૪૫) એ પરોલ ગામનો રહેવાસી હતો. ડેકોરેશનનું કામ કરતો સંજય બુધવારે રાત્રે પરિવાર સાથે તાનસા નદીમાં ગણપતિ વિસર્જન માટે ગયો હતો. મૂત સાથે નદીમાં પ્રવેશતા જ તેનો પગ લપસી ગયો અને નદીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો.

બીજી ઘટના વાડાના કોનસાઈ ગામમાં વૈતરણા નદીમાં બની હતી.

જ્યાં મોડી રાત્રે જગત નારાયણ મૌર્ય (૩૮) અને સૂરજ નંદલાલ પ્રજાપતિ (૨૫) તેમના મિત્રો સાથે વિસર્જન માટે ગયા હતા. નદીમાં ડૂબી જવાથી બંનેના મોત થયા હતા. એકજ કંપનીમાં કામ કરતા બંને એ કંપનીમાં જ દોઢ દિવસના ગણપતિની સ્થાપના કરી હતી.

ત્રીજી ઘટના વાડાના ગોહે વિસ્તારની છે. અહીં પ્રકાશ નારાયણ ઠાકરે (૩૫) તેમના પરિવારના સભ્યો સાથે ગણપતિ વિસર્જન માટે સ્થાનિક ગોહે તળાવમાં ગયા હતા. વિસર્જન દરમિયાન અકસ્માત સર્જાયો હતો. તે અચાનક તળાવમાં પડી ગયો હતો અને પાણી માં ડૂબી જવાથી તેનું મોત થયું હતું.



Google NewsGoogle News