માલેગાંવ હવાલા કેસમાં દુબઇની પાંચ કંપનીઓના ખાતામાં 4 કરોડ જમા કરાયા
મહારાષ્ટ્રમાં વોટ જેહાદ માટે કરોડોની હેરફેરનું કૌભાંડ
મહેમૂદ ભાગડ ઉર્ફે ચેલેન્જર કિંગ સૂત્રધાર હોવાનો ઘટસ્ફોટઃ શેલ કંપનીઓ ખોલવા પગારદાર માણસો રાખ્યા હતા
મુંબઈ - નાશિકના માલેગાવના મર્ચન્ટ બેંકની શાખામાં બેરોજગાર યુવકોના ખાતામાથી કરોડો રૃપિયાના ટ્રાન્ઝેક્શનના કૌભાંડની તપાસ કરતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આ ગુનાના મુખ્ય સૂત્રધારની ઓળખ કરી છે. આરોપીએ દુબઇની પાંચ કંપનીેના ખાતામાં રૃા. ચાર કરોડ જમા કરાવ્યા હોવાનું ઇડીની તપાસમાં ખુલાસો થયો છે. આ પૈસાનો ઉપયોગ વોટ જેહાદ માટે કરવામાં આવ્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. માલેગાવની બેંકમાં આર્થિક ગેરરીતિના કેસનો મુખ્ય સૂત્રધાર મહેમૂદ ભાગડ ઉર્ફે ચેલેન્જર કિંગ ઉર્ફે એમડી હોવાનું કહેવાય છે. આરોપી સિરાજ મોહમ્મદની ધરપકડ બાદ તે વિદેશ ભાગી ગયો હોવાની શંકા છે.
આ કૌભાંડની રૃા. ચાર કરોડ દુબઇની પાંચ કંપનીઓમાં ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું છે. આ પાંચ કંપનીઓ આરોપી સિરાજ મોહમ્મદ સાથે સંબંધિત હોવાનું દર્શાવવામાં આવ્યું છે પરંતુ ઇડીને શંકા છે કે ખરેખર ભાગડ આ કંપનીઓને નિયંત્રિત કરી રહ્યો હતો.
ભાગડે આરોપી નાગાની અકરમ મોહમ્મદ શફી અને વસીમ વલી મોહમ્મદ ભેસાણિયાને રૃા. ૩૫ હજારના પ્રતિ મહિનાના પગાર પર નોકરીમાં રાખ્યા હતા. બંનેએ ટુંકા ગાળામાં નવી મુંબઇ, નાશિક, સુરત, અમદાવાદ, ઉત્તર પ્રદેશ, રાજકોટ, છત્તીસગઢ, દિલ્હી જેવા શહેરોમાં અનેક કંપનીની સ્થાપના કરી હતી.
શફીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી ભાગડ સમગ્ર ગુના પાછળનો માસ્ટર માઇન્ડ હોવાનું માનવામાં આવે છે. સિરાજની ધરપકડ બાદ ભાગડે શફીને દેશ છોડીને ભાગી જવાની સલાહ આપી હતી ભાગડની સૂચના પર શફીએ દેશ છોડવાનો પ્રયાસ કર્યો પરંતુ અમદાવાદ એરપોર્ટ પર પકડાઇ ગયો હતો.
ઇડીને તપાસમાં માલૂમ પડયું છે કે આરોપી શફી અને ભેસાણિયાએ ભાગડના આદેશ પર ત્રણસોથી વધુ બેંક ખાતા અને ઘણી નકલી કંપનીઓ બનાવી હતી. આરોપીઓએ ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો માટે ૨૦૦થી વધુ બેંક ખાતાનો ઉપયોગ કર્યો હતો. અમદાવાદ, મુંબઇ, સુરતના હવાલા ઓપરેટરોની મદદથી આ ખાતાઓમાં જમા કરાયેલા નાણા અન્યત્ર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.
ઇડીએ ગત મહિને થાણે, વાશી, માલેગાંવ, નાશિક, સુરત અને અમદાવાદમાં નકલી કંપની સંબંધિત ૨૪ સ્થળે દરોડા પાડયા હતા.
મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં ફંડ આપવા માટે ગુજરાતના સુરત અને અમદાવાદની બેંકોમાં ખાતા ખોલાવી કરોડો રૃપિયાનું બોગસ ટ્રાન્ઝેક્શન કરાયું હોવાનું બહાર આવ્યું હતું. આથી ઇડીના અધિકારીઓએ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સર્ચ ઓપરેશન હાથધર્યું હતું.
માલેગાંવના આરોપી સિરાજ અહમદ ચા અને કોલ્ડડ્રીન્કન એજન્સી ધરાવતો હતો. ફરિયાદી જયેશનો ભાઇ ગણેશ તેના વાહનમાં સામાન સપ્લાય કરતો હતો. સિરાજે ગણેશને કહ્યું કે તે મકાઇનો ધંધો કરવા માગે છે અને તેને ખેડૂતો પાસેથી પૈસા વસૂલવા માટે બેંકના ખાતાની જરૃર છે. તેણે ગણેશ ફરિયાદી જયેશ અને અન્ય પાસેથી પેનકાર્ડ, આધારકાર્ડ, સિમકાર્ડ લીધા હતા. તેમના નામથી બેંકમાં ખાતા ખોલાવ્યા હતા.
ખાતા ખોલવવા માટે ફોર્મ, એફડી ફોર્મ, લોન ફોર્મ અન્ય દસ્તાવેજ પર સિરાજે તમામની સહી લીધી હતી. આના બદલામાં સિરાજે તેમને માલેગાવની એપીએમસી માર્કેટમાં નોકરી આપવાનું વચન આપ્યું હતું.
આ ૧૨ ખાતા સિવાય સિરાજે તેના બે મિત્રના નામે વધુ બે ખાતા ખોલાવ્યા હતા. ગત ૨૧ ઓક્ટોબરના એકાઉન્ટ ફ્રીઝ થાય ત્યાં સુધીમાં કુલ ૨૨૦૦ વ્યવહાર થયા છે.
આ રેકેટમાં ઇડીએ શુક્રવારે મની લોન્ડરિંગના તપાસના સંબંધમાં મુંબઇ અને અમદાવાદમાં સાત સ્થળોએ દરોડા પાડયા હતા. એમા મુંબઇના એક આંગડિયાનો સમાવેશ છે. આ ઓપરેશનમાં રૃા. ૧૩.૫૦ કરોડ રોકડ રકમ જપ્ત કરાઇ હતી. આ કૌભાંડ રૃા. ૧,૨૦૦ કરોડનું હોવાની શંકા છે. ઇડીને બનાવટી કંપની દ્વારા ૨૧ બેંક ખાતાઓ દ્વારા કરવામાં આળેલા રૃા. ૮૦૦ કરોડના વ્યવહારોની માહિતી મળી છે. મોટાભાગની કંપનીઓ એકની માલિકીની હોવાનું કહેવાય છે.