વસઇ-વિરારમાં રેતી માફિયાઓની 4 બોટ જીલેટીન સ્ટીકથી ઉડાવી દેવાઈ
ખાડી કિનારામાં ફરી સક્રિય થયેલા રેતી માફિયાઓ સામે કાર્યવાહી
ફલાઈંગ સ્કવોડ ત્રાટકતાં ભાગેલા રેતી માફિયાઓએ છોડી દીધેલી બોટ તથા અન્ય સામગ્રીનો નાશ કરાયો
મુંબઇ : વસઇ-વિરારના ખાડી કિનારા વિસ્તારમાં રેતી માફિયાઓ ફરીથી સ્ક્રીય થઇ ગયા હોવાની જાણ થયા બાદ જિલ્લાના ખાણકામ અધિકારીઓ અને ફલાઇંગ સ્કવોડે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. આ લોકોએ વિરાર પાસેના કાશીદ-કોપર ખાતે અનધિકૃત રીતે રેતી ઉલેચવાનું કામ કરતા માફિયાઓની ચાર બોટ જપ્ત અને અમૂક સકશન પમ્પો જપ્ત કર્યા હતા અને જીલેટીન સ્ટીકથી ઉડાવી મૂક્યા હતા.
વસઇ-વિરારના કિનારા વિસ્તારમાં વૈતરણા, શિરગાવ, નારિંગી ખાડીમાં છૂપી રીતે સકશન પમ્પો ગોઠવી રેતી ઉલેચવામાં આવે છે. આ વિસ્તારમાં રેતી માફિયાઓ ફરીથી સક્રિય બનતા આજે મંગળવારે ખાણ અધિકારી અને મંડળ અધિકારીની ફલાઇંગ સ્કવોડે સંયુક્ત રીતે કાશિદ-કોપર દરિયા કિનારે છાપો માર્યો હતો.
આ વાતની જાણ થતા જ માફિયાઓ ફરાર થઇ ગયા હતા. જોકે આ લોકો ગેરકાયદે રેતી ઉલેચવાના કામમાં ઉપયોગમાં લેવામાં આવતી ચાર બોટ અને રેતી ઉલેચવા વપરાતા સકશન પમ્પ ત્યાં જ છોડી ગયા હતા. આ તમામ વસ્તુઓ જપ્ત કરી ફલાઇંગ સ્કવોડે જીલેટીન સ્ટીકની મદદથી વિસ્ફોટ કરી નષ્ટ કરી દીધી હતી.
વિરાર પાસેની વૈતરણા ખાડીમાંથી છેલ્લો થોડા વર્ષોમાં ગેરકાયદે રેતી ઉલેચવાની ઘટનામાં મોટો ઉછાળ આવ્યો છે. આ રીતે વર્ષોથી ગેરકાયદે રેતીના ખનનથી અસર અહીંના સુંદરીના વનવિસ્તાર પર થઇ રહી છે. આ સિવાય પશ્ચિમ રેલવેના વૈતરણા ખાડી પુલના પાયા પર પણ અસર થઇ રહી હોવાનું બહાર આવ્યા બાદ ગેરકાયદે રેતી ઉલેચતા માફિયાઓ સામે અવારનવાર કાર્યવાહી કરી તેમની બોટ અને અન્ય સાહિત્યને જીલેટીન સ્ટીકથી ઉડાવી દેવાની કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં આ પ્રવૃત્તિ અટકવાનું નામ લેતી નથી.