મહારાષ્ટ્રમાં મંત્રી બનાવવાના બહાને ઠગ ટોળકીએ ભાજપના 3 ધારાસભ્યો પાસેથી માંગ્યા 100 કરોડ, 4ની ધરપકડ
- રિયાઝે 90 કરોડ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો પરંતુ 18 કરોડ રૂપિયા એડવાન્સ માંગ્યા હતા
મુંબઈ, તા. 20 જુલાઈ 2022, બુધવાર
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં નવી સરકાર બન્યાને 15 દિવસથી વધુ સમય થઈ ગયો છે પરંતુ કેબિનેટની રચના થઈ નથી. આશ્ચર્યની વાત એ છે કે, એક ઠગ ટોળકીએ ધારાસભ્યોને મંત્રી બનાવવા માટે છેતરવાનો પ્રયાસ કર્યો હતો. આ ટોળકીએ ભાજપના 3 ધારાસભ્યોને મંત્રી બનાવવા માટે 100 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ધારાસભ્યોને છેતરવાના પ્રયાસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીના નામ રિયાઝ શેખ, યોગેશ કુલકર્ણી, સાગર સાંગવાઈ અને ઝફર ઉસ્માની છે. આ ચારેય આરોપીઓને 26મી જુલાઈ સુધી ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. FIR મુજબ, શિંદેની કેબિનેટમાં તેમને કેબિનેટ મંત્રી બનાવવા માટે ધારાસભ્ય પાસેથી 100 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી.
- ઠગ રિયાઝ શેખે ફોન કરીને શું કહ્યું ?
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા ઠગ રિયાઝ શેખે 17 જુલાઈના રોજ બપોરે 12.12 વાગ્યે એક ધારાસભ્યના સેક્રેટરીને ફોન કર્યો હતો કે, હું દિલ્હીથી આવ્યો છું મારી આજે 4 વાગ્યે ધારાસભ્ય સાથે મીટિંગ છે પરંતુ ધારાસભ્ય ફોન ઉઠાવતા નથી. આ અંગે સેક્રેટરીએ ધારાસભ્યને રિયાઝનો મેસેજ મોકલ્યો હતો પરંતુ ધારાસભ્યએ તેનો જવાબ નહોતો આપ્યો.
રિયાઝે ફરીથી 4.06 વાગ્યે સેક્રેટરીને ફોન કર્યો અને કહ્યું હતું કે, હું હજુ પણ 4:00 વાગ્યાની બેઠક માટે ધારાસભ્યની રાહ જોઈ રહ્યો છું.સચિવ દ્વારા ફરીથી ધારાસભ્યને મેસેજ મોકલવામાં આવ્યો હતો પરંતુ ધારાસભ્ય તરફથી કોઈ જવાબ નહોતો મળ્યો. તે જ દિવસે ધારાસભ્યની સાંજે 4:30 વાગ્યે દક્ષિણ મુંબઈની સાત સ્ટાર હોટલમાં બેઠક નક્કી હતી કારણ કે સચિવ એક દિવસ પહેલા એટલે કે 16 જુલાઈએ રાત્રે 9:00 વાગ્યે આકાશવાણી ભવન પાસે ધારાસભ્યના નિવાસસ્થાને મળ્યા હતા.
- 90 કરોડનો સોદો નક્કી કર્યો, એડવાન્સમાં 18 કરોડ માંગ્યા
સચિવની એક હોટલમાં ધારાસભ્ય સાથેની મુલાકાત દરમિયાન તેમને રિયાઝ શેખના વારંવાર ફોન આવવાની વાત કરી હતી. ત્યારબાદ ધારાસભ્યએ સચિવને એમ પણ કહ્યું હતું કે, તેમને 12 જુલાઈના રોજ રિયાઝ શેખનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, તમને કેબિનેટ મંત્રી બનાવશે પરંતુ 100 કરોડ રૂપિયા આપવા પડશે. ત્યારે ધારાસભ્યએ રિયાઝને કોઈ મહત્વ નહોતું આપ્યું પરંતુ 17 જુલાઈએ સાંજે 4:30 વાગ્યે સચિવને મળ્યા બાદ ધારાસભ્યએ સચિવ મારફતે રિયાઝને સાંજે 5:15 વાગ્યે સંબંધિત હોટલમાં મળવા બોલાવ્યા હતા. રિયાઝ અને ધારાસભ્યએ ત્યાં લાંબી બેઠક કરી હતી. રિયાઝે 90 કરોડ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો પરંતુ 18 કરોડ રૂપિયા એડવાન્સ માંગ્યા હતા. ત્યારબાદ ધારાસભ્યએ રિયાઝને બીજા દિવસ સુધી રોકાવાનું કહ્યું અને આ વાત તેમના ખાનગી સચિવને જણાવી હતી.
- આરોપી રિયાઝ અને 3 ઠગની ધરપકડ
ત્યારબાદ રિયાઝને ધારાસભ્ય દ્વારા 18 જુલાઈના રોજ બપોરે 1:00 વાગ્યે નરીમાન પોઈન્ટ વિસ્તારમાં બોલાવવામાં આવ્યો હતો અને આ માહિતી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલને પણ આપવામાં આવી હતી. રિયાઝ નિર્ધારિત જગ્યાએ સમયસર પહોંચી ગયો હતો જ્યાંથી ધારાસભ્ય તેમને એ જ હોટલમાં લઈ ગયા જ્યાં તેમની પહેલી મુલાકાત થઈ હતી. થોડી ચર્ચા બાદ સાદા યુનિફોર્મમાં હાજર ક્રાઈમ બ્રાન્ચના જવાનોએ રિયાઝ શેખની ધરપકડ કરી હતી. ત્યારબાદ અન્ય 3 ઠગની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી મોબાઈલ અને સીમકાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. વોટ્સએપ ચેટ્સ અને તેમના મોબાઈલ સીડીઆરનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.