દક્ષિણ મુંબઈના વૃદ્ધ દંપતી સાથે 11 કરોડના પીએફની લાલચે 4.35 કરોડની છેતરપિંડી

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
દક્ષિણ મુંબઈના વૃદ્ધ દંપતી સાથે 11 કરોડના પીએફની લાલચે 4.35 કરોડની છેતરપિંડી 1 - image


મહિલાએ ઈપીએફઓ ઓફિસમાંથી બોલતી હોવાનું જણાવી છેતરપિંડી આચરી

મુંબઈ : દક્ષિણ મુંબઈમાં રહેતા એક વૃદ્ધ દંપતીને ૧૧ કરોડના પ્રોવિડન્ટ ફંડની લાલચ આપી સાયબર ફ્રોડસ્ટરોએ તેમની સાથે ૪.૩૫ કરોડ રૃપિયાની છેતરપિંડી આચરી હતી. વૃદ્ધ દંપતી સાથે થયેલ આ ફોેડની વિગત બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આ બાબતે વધુ વિગત આપતા કફપરેડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે મે મહિનામાં વૃદ્ધ દંપતીમાંથી ૭૨ વર્ષના વૃદ્ધાને એક મહિલાએ ફોન કરી તે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) બોલી રહી હોવાનો દાવો કર્યો હતો. 

આ મહિલાએ ત્યારબાદ તેમનો વિશ્વાસ જીતવા ફરિયાદી વૃદ્ધાના પતિ બાબતની સંબંધિત માહિતી પૂરી પાડી હતી. મહિલાએ પૂરી પાડેલી વિગતને લીધે વૃદ્ધાને આ મહિલા પર વિશ્વાસ બેઠો હતો. ફોન કરનાર મહિલાએ વૃદ્ધાને જણાવ્યું હતું કે તેના પતિની કંપનીએ છેલ્લા ૨૦ વર્ષના સમયગાળામાં સતત તેમના ખાતામાં ચાર લાખ રૃપિયા જમા કરાવ્યા હતા. આ રકમ  વધીને ૧૧ કરોડ થઈ ગઈ છે જે મેલવવા તેઓ હકદાર છે.

ફરિયાદીના પતિ અગાઉ એક જાણીતી આઈટી કંપનીમાં કામ કરતા હતા. નિવૃત્તિ બાદ ફરિયાદીના પતિએ પાકતી મુદતે રોકાણ કરેલું ભંડોળ પાછું ખેંચી લીધું હતું. ફોન કરનાર મહિલાએ ત્યારબાદ ફરિયાદીને ટીડીઅસ, જીએસટી અને આવકવેરાની ચૂકવણી માટે જરૃરી નાણાં જમા કરાવવા કહ્યું હતું. આ મહિલાની વાતોમાં આવી ફરિયાદી વૃદ્ધાએ તેની સુચના મુજબ વિવિધ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની શરૃઆત કરી હતી. આ રીતે આરોપી મહિલાએ દંપતી સાથે કુલ મળી ૪.૩૫ કરોડની છેતરપિંડી આચરી હતી. આરોપી મહિલાએ ફરિયાદી વૃદ્ધાને મેથી સપ્ટેમ્બર મહિના દરમિયાન અનેક પ્રસંગોએ વિવિધ બહાના હેઠળ પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હતા. પરંતુ જ્યારે મહિલાએ વધુ રકમની માગણી ચાલુ રાખતા દંપતીએ હવે તેમની પાસે કોઈ રકમ બચી ન હોવાનું કહેતા ફોન કરનાર મહિલાએ તેમની માહિતી ઈન્કમટેક્સ વિભાગને આપી દેશે તેવું કહ્યું હતું.

આ ઘટના બાદ પોતાની છેતરપિંડી  થઈ હોવાની લાગણી થતા વૃદ્ધાએ મંગળવારે કફ પરેડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે આઈપીસીની કલમ ૩૮૪ (ખંડણી) ૪૧૯, ૪૨૦ (છેતરપિંડી૦, ૩૪ (સમાન ઈરાદો) તેમ જ આઈટી એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.



Google NewsGoogle News