મુંબઈમાં ત્રીજી ડિસે. સુધી તુક્કલ ચઢાવવા પર પ્રતિબંધ
દિવાળી સંદર્ભમાં પોલીસનું જાહેરનામું
મલાડમાં 2015માં તુક્કલથી આગના બનાવ પછી પ્રતિબંધ લગાડાય છે
મુંબઈ : દિવાળીના તહેવારો પહેલા, મુંબઈ પોલીસે ૪ નવેમ્બરથી ૩ ડિસેમ્બર સુધી સ્કાય લેન્ટર્ન (તુક્કલ) પર પ્રતિબંધની જાહેરાત કરી છે. સુરક્ષા અને સાવચેતી માટે લેવાયેલા આ પગલામાં આવા ફાનસથી જાહેર જનતાના જીવ અને મિલકત સામે જોખમ સર્જાતું હોવાથી તેના વપરાશ, વેચાણ અને ઉડાડવા પર પ્રતિબંધ જાહેર કરાયો છે. આ આદેશનું ઉલ્લંઘન કરનારને સેક્શન ૧૮૮ હેઠળ છ મહિનાની સજા અથવા હજાર રૃપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે.
વધુમાં આ સમય દરમ્યાન ફટાકડાના વેચાણ અથવા વેચાણના હેતુથી તેને રાખવા, પ્રદર્શિત કરવા અથવા માટે વિતરણ કરવા માટે લાયસન્સની જરૃરીયાત પર પોલીસ વિભાગે ભાર મુક્યો છે. ડેપ્યુટી કમિશનરે તહેવારની મોસમ દરમ્યાન સમાજ વિરોધી પ્રવૃત્તિ પર નિયંત્રણ મેળવવા આવા પ્રતિબંધો જરૃરી હોવાનું જણાવ્યું હતું. ગયા વર્ષે પણ આવા પ્રકારનો પ્રતિબંધ મુકાયો હતો.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં સર્જાયેેલા એક બનાવને કારણે આ પ્રતિબંધ મુકાયો છે. આ બનાવમાં અવકાશી ફાનસથી મલાડમાં બાંધકામ હેઠળના એક ૩૬ માળના મકાનમાં આગ લાગી હતી જેના પગલે તત્કાલીન ફાયર બ્રિગેડ ચીફે પોલીસ વિભાને આવા લેન્ટર્ન ઉડાડવા સામે પ્રતિબંધની માગણી કરી હતી.