એસ્ટેટ એજન્ટના પેન અને આધાર કાર્ડના આધારે 383 કરોડના વ્યવહાર
થાણના એસ્ટેટ એજન્ટને બેન્કની નોટિસ આવી ત્યારે ખબર પડી
નોકરીની ઓફર કરતી વખતે દસ્તાવેજો લઈ લીધા હતા, બેન્ક ખાતાં ખોલાવી, શેલ કંપનીઓ ઊભી કરી દીધીઃ 3 સામે ગુનો
મુંબઈ : થાણે શહેરમાં બનેલી એક ખૂબ જ ચોંકાવનારી ઘટનામાં એક એસ્ટેટ એજન્ટના પેન અને આધાર કાર્ડનો ઉપયોગ કરી અમુક લોકોએ ૩૮૩ કરોડના ગેરકાયદે બેન્ક વ્યવહારો કર્યા હતા. બેંકે જ્યારે એસ્ટેટ એજન્ટને આ બાબતે નોટિસ ફટકારી ત્યારે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટના બાદ સ્થાનિક કાસારવડવલી પોલીસે આ પ્રકરણે ત્રણ વ્યક્તિઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
આ સંદર્ભે આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી વિશે વધુ માહિતી આપતા પીડિત એસ્ટેટ એજન્ટે પોલીસને જણાવ્યું હતું કે આરોપીઓએ ૨૦૨૨માં નોકરીની ઓફર સાથે તેનો સંપર્ક કર્યો હતો. આ સમયે આરોપીઓએ ફરિયાદી પાસેથી તેના પેન અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજો મેળવી લીધા હતા. પાછળથી આરોપીઓએ આ વ્યક્તિના દસ્તાવેજોના આધારે બે બેંક એકાઉન્ટ ખોલ્યા હતા. આરોપીઓએ બનાવટી શેલ કંપનીઓ પણ ઉભી કરી હતી અને પીડિત એજન્ટના મોબાઈલ નંબર અને ઈ- મેલના સરનામા પણ બેન્ક એકાઉન્ટ સાથે લીંક કરી દીધા હતા. આ છેતરપિંડી ફરિયાદીની જાણ બહાર કરવામાં આવી હતી.
છેતરપિંડી કરનાર આરોપીઓએ આ બેંક એકાઉન્ટ અને શેલ કંપનીઓનો ઉપયોગ મે, ૨૦૨૩ સુધી કર્યો હતો અને રૃ.૩૮૩ કરોડથી વધુના ગેરકાયદે બેંક વ્યવહારો કર્યા હતા. આ શંકાસ્પદ અને છેતરપિંડીપૂર્ણ પ્રવૃત્તિ ધ્યાનમાં આવતા બેંકે પીડિતને નોટિસ ફટકારી હતી. આ નોટિસ આવતા પીડિત ચોંકી ઉઠયો હતો અને તેણે થાણેની ઈકોનોમિક ઓફેન્સિસવિંગ (ઈઓડબલ્યુ)નો સંપર્ક કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે દીપક શુકલા, રાહુલ પટવા અને ચેતન ખાડે નામના ત્રણ વ્યક્તિઓ સામે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બાબતે હજી કોઈની ધરપકડ કરવામાં આવી નથી તેવી માહિતી પોલીસે આપી હતી.