નેવીના હાથમાં ઝડપાયેલા 35 ચાંચિયાને શનિવારે મુંબઇ લાવવામાં આવશે
દિલધડક એન્ટી-પાઇરસી ઓપરેશન બાદ
વ્યાપારી જહાજોની રખેવાળી કરતા નેવીના જહાજોએ અબજોની માલહાનિ અને જાનહાનિ અટકાવી છે
મુંબઇ : સોમાલિયાના કાંઠા નજીક ગયા અઠવાડિયે ભારતીય નૌકાદળના યુદ્ધ-જહાજોએ ૪૦ કલાકના દિલધડક એન્ટી પાઇરસી ઓપરેશન બાદ વિદેશી જહાજને ચાંચિયાઓની ચુંગાલમાંથી છોડાવ્યા બાદ ઝબ્બે કરેલ ૩૫ દરિયાઇ ચાંચિયાઓને શનિવારે મુંબઇ લાવવામાં આવશે.
ગયા શનિવારે ભારતીય યુદ્ધ-જહાજ આઇએનએસ કોલકાતા અને આઇએનએસ સુભદ્રાએ છેલ્લા ત્રણ મહિનાથી ચાંચિયાઓના કબજામાં રહેલા એમ.વી. રૃએન નામના વિદેશી માલવાહક જહાજને આંતર્યું હતું. ત્યાર બાદ નેવીના હેલિકોપ્ટર અને એરફોર્સના પ્લેનની મદદથી નેવીના માર્કોસ મરીન કમાન્ડોને જહાજ પર ઉતાર્યા બાદ એન્ટી-પાઇરસી ઓપરેશન હાથ ધર્યું હતું. ચાંચિયાઓ દ્વારા કરવામાં આવતા ગોળીબારની પરવા કર્યા વિના ભારતીય નૌસેનિકોએ ૪૦ કલાક ચાલેલા આ ઓપરેશનને અંતે ૩૫ દરિયાઇ ચાંચિયાઓને ઝડપી લીધા હતા. ત્યાર બાદ ત્રણ મહિનાથી બંધક બનાવીને રાખવામાં આવેલા જહાજના ૧૭ ક્રુ મેમ્બરોને હેમખેમ ઉગારી લીધા હતા.
શરણે આવેલા આ ૩૫ ચાંચિયાઓને લઇને આઇએનએસ કોલકાતા જહાજ ૨૩મી માર્ચ સવારે મુંબઇના નેવલ ડોકયાર્ડમાં આવી પહોંચશે ત્યાર બાદ નેવી દ્વારા આગળની કાનૂની કાર્યવાહી માટે આ સોમાલી ચાંચિયાઓને સત્તાવાળાઓને સોંપવામાં આવશે.
રેડ-સી અને અરબી સમુદ્રમાંથી પસાર થતા મર્ચન્ટ શિપને હૂથી બળવાખોરો દ્વારા કરવામાં આવતા મિસાઇલ-ડ્રોન હુમલા અને સોમાલી ચાંચિયાઓના જોખમ સામે રક્ષણ આપવા માટે ભારતીય નૌકાદળ તરફથી એડનના અખાત પાસે ૧૦ યુદ્ધ-જહાજો તૈનાત કરવામાં આવ્યા છે. ફ્રાન્સ અને અમેરિકાના નેવીના જહાજો પણ પહેરેદારી કરે છે. જોકે મુશ્કેલીમાં મુકાતા દેશ-વિદેશના જહાજોની મદદે પહોંચી જવામાં અને ચાંચિયા-વિરોધી કામગીરી પાર પાડવામાં ભારતીય નેવીના જહાજોની કામગીરી ઉત્કૃષ્ટ રહી છે. નેવીના જહાજોએ મિસાઇલ હુમલાને લીધે આગમાં લપેટાયેલા જહાજોની અને ઓઇલ ટેન્કરોની આગ બુઝાવી છે. ડૂબવાની અણી પર હોય એવા જહાજોના કર્મચારીઓને હેમખેમ ઉગાર્યા છે. આમાં મોટી સંખ્યામાં ભારતીય ક્રુ મેમ્બરોનો પણ સમાવેશ થાય છે. આમ જાનહાનિ અને અબજો રૃપિયાની માલહાનિ અટકાવવામાં ભારતીય નૌકાદળે સફળતા મેળવી છે.