લગભગ 1.5 લાખ મિલિમિટર નવા પાણીની આવક થતાં 35.11 ટકા પાણી જમા

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
લગભગ 1.5 લાખ મિલિમિટર નવા પાણીની આવક થતાં 35.11 ટકા પાણી જમા 1 - image


માત્ર 2 દિવસમાં જળાશયોમાં 37 દિવસની નવા પાણીની આવક

અત્યાર સુધી જળાશયોમાં આશરે 4 મહિનાનું પાણી જમા, પણ વર્તમાન 10 ટકા પાણીકાપ યથાવત્

મુંબઈ :  મુંબઈ શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં સાતેય જળાશયો અને તેના કેચમેન્ટ વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસતા માત્ર બે દિવસમાં લગભગ દોઢ લાખ મિલિયન લીટર નવા પાણી આવક થઈ હતી. એટલે કે ૩૭ દિવસનું પાણી વધુ જમા થતાં આજ સુધી જળાશયોમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતાની સામે ૩૫.૧૧ ટકા પાણીનો જમા થતાં અત્યાર સુધી લગભગ ૧૨૭ દિવસ એટલે કે ચાર મહિનાનું પાણી જમા થયું છે. પરંતુ વર્તમાન દસ ટકા પાણીકાપ યથાવત્ રહેશે.

મુંબઈ શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં સાત જળાશયોમાં આજે અપર વૈતરણામાં ૧,૨૮,૯૯ મિલિયન લીટર, મોડક સાગરમાં ૭૧૨૦૫ મિલિયન લીટર, તાનસામાં ૧,૦૨,૬૧૧ મિલિયન લીટર, મિડલ વૈતરણામાં ૬૧૦૬૬ મિલિયન લીટર, ભાતસામાં ૨૩૮૯૫૯ મિલિયન લીટર, વિહાર જળાશયમાં ૧૪૯૫૫ મિલિયન લીટર, તુલસીમાં ૬૪૧૩ મિલિયન લીટર મળીને કુલ મળીને કુલ ૫૦૮૧૦૮ મિલિયન લીટર સાથે જળાશયોમાં પાણી સંગ્રહની ક્ષમતાની સામે ૩૫.૧૧ ટકા પાણી જમા થયું છે. એમ પાલિકાના પાણી પુરવઠા વિભાગે જણાવ્યું હતું.

પાલિકાએ આપેલા આંકડા અનુસાર શનિવાર ૧૩ જુલાઈના સવારે ૮ વાગ્યા સુધી જળાશયોમાં કુલ મળીને ૩૬૧૮૨૬ મિલિયન લીટર પાણી જમા થયું હતું. એટલે કે ૨૫ ટકા પાણી હતું. પરંતુ બે દિવસમાં એટલે કે આજે સોમવાર સવારે ૮ વાગ્યા સુધી જળાશયમાં ૫૦૮૧૦૮ મિલિયન લીટર જમા થતાં બે દિવસમાં ૧,૪૬,૨૮૨ મિલિયન લીટર એટલે કે ૩૭ દિવસનું નવા પાણીની આવક થઈ હતી. એટલે કે જળાશયોમાં ૩૫.૧૧ ટકા પાણી જમા થઈ ગયું છે. આમ એકંદરે જળાશયોમાં કુલ ચાર મહિનાનું એટલે કે ૧૨૭ દિવસનું પાણી જમા થઈ ગયું હોવાનું પાલિકાના પાણી પુરવઠા વિભાગે જણાવ્યું હતું.

મુંબઈગરાના ઉપર મૂકાયેલા દસ ટકા પાણીકાપ હમણાં પાછો નહિં ખેંચાય કારણ કે જળાશયોમાં ૫૦ ટકા કરતાં વધુ પાણી જમા થયા બાદ પાણીકાપ ઉઠાવી લેવાનો નિર્ણય લઈ શકાશે, એમ પાલિકાના હાઈડ્રોલિક એન્જિનિયરે જણાવ્યું હતું.

મુંબઈગરાને દરરોજ ૩૮૫૦ મિલિયન લીટર પાલિકા પાણી પુરવઠો પૂરો પાડે છે. પરંતુ દસ ટકા પાણીકાપ હોવાથી અત્યારે દરરોજ ૩૪૭૫ મિલિયન લીટર પાણીનું વિતરણ કરવામાં આવે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

સાત જળાશય પૈકી ત્રણ જળાશય છલકાવાની સપાટીથી એકથી બે મીટર છેટું

મુંબઈ શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશય પૈકી તાનસા, વિહાર અને તુલસી જળાશય છલકાવવાની સપાટીથી એકથી દોઢ મિટર છેટું છે.

તુલસી જળાશયની છલકાવવાની સપાટી ૧૩૯.૧૯ મીટર છે. તેની સામે જળાશયમાં આજે ૧૩૭.૯૨ મીટર છે. આથી તે છલકાવવાની સપાટીથી માત્ર સવા માટીર છેટું છે.

જ્યારે તાનસા જળાશયની છલકાવવાની સપાટી ૧૨૮.૧૩ મીટર છે. અને આજે તે ૧૨૬.૩૧ મીટર છે. આથી તાનસા છલકાવવાની સપાટીથી આશરે બે મીટર છેટુ છે.

જ્યારે વિહાર જળાશયની છલકાવવાની સપાટી ૮૦.૧૨ મીટર છે અને આજે સપાટી ૭૭.૬૦ મીટર છે આથી તે છલકાવવાની સપાટીથી દોઢ મીટર છેટું છે.



Google NewsGoogle News