પહેલા બોલમાં બે સિક્સ ફટકાર્યા બાદ હાર્ટ એટેકથી 34 વર્ષીય કચ્છી યુવકનું મોત
- વડાલામાં મોખા યુથ ફોરમની ક્રિકેટ મેચમાં આઘાતજનક ઘટના
- મળ કચ્છના મોખાનો વતની અને વાશીનો રહીશ સીએ યુવાન ત્રીજો બોલ ફેંકાય તે પહેલાં ટર્ફ પર ઢળી પડયો, પિતા બાદ પુત્રએ પણ નાની વયે જીવ ગુમાવ્યો
- બે સિક્સને પગલે તાળીઓ ગાજતી હતી અને હેટ્રિક ચાન્સનું ચિયર અપ થતું હતું તે વખતે જ હાર્ટ એટેક આવ્યો
મુંબઈ : મુંબઈના કચ્છી વિશા ઓશવાળ સમાજના માત્ર ૩૪ વર્ષીય સીએ યુવક ઝુબીને રાજેન્દ્ર છેડાનું વડાલામાં ક્રિકેટ મેચ દરમિયાન હાર્ટ એટેકથી નિધન થતાં સમગ્ર સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.
કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાનું મોખા ગામ ઝુબીનનું વતન છે. મોખાના જ મૂળ વતનીઓની સંસ્થા મોકા યુથ ફોરમ દ્વારા વડાલાની સેન્ટ જોસેફ હાઈ સ્કૂલના મેદાન પર ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું. ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉતરેલા ઝુબિને મેચના પહેલા જ બે બોલમાં ઉપરાછાપરી બે સિક્સર ફટકારી ત્યારે સૌએ તેને તાળીઓથી વધાવી લીધો હતો. જોકે, કોઈને સ્વપ્ને પણ કલ્પના ન હતી કે તે પછીની ઘડીએ શું થવાનું છે. ત્રીજો બોલ નખાય તે પહેલાં જ ઝુબિનને હાર્ટ એટેક આવ્યો હતો અને તેણે પ્રાણ ગુમાવતાં સૌ ભારે આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા.
મેદાનમાં કુલ ૩ ટર્ફ પર છ ટીમો રમવા માટે ટીમો મેદાનમાં ઉતરી હતી. તેમાં ઝુબીન છેડા જે ટીમ તરફથી રમતો હતો એની મેચ ટર્ફ નંબર ત્રણ પર શરૂ થઈ હતી. ઝુબીન એની ટીમ તરફથી આપનીંગ બેટ્સ્મેન તરીકે રમવા ઉતર્યો હતો. મેચમાં તેણે બે બોલમાં છગ્ગા ફટકાર્યા હતા. ત્યારે સૌએ તાળીઓના ગડગડાટ કર્યા હતા. હેટ્રિક ચાન્સના ચિયર અપ વચ્ચે હજુ તો ત્રીજો બોલ નખાય તે પહેલાં જ ઝુબીન અચાનક ટર્ફ પર ઢળી પડયો હતો. એ વખતે ટર્ફ પર ઉપસ્થિત ડાક્ટરે તપાસ કરતાં જ તેમને અંદાજ આવી ગયો કે ઝુબીન ને હાર્ટ એટેક આવ્યો છે. તેમણે છાતીમાં તરત જ પંપીગ શરૂ કરી દીધું હતું. તેમ જ ત્યાં સુધી એમબ્યુલન્સ બોલાવવામાં આવી અને ઝુબીનને નજીકમાં આવેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં ડાક્ટરે ઝુબીન ને મૃત જાહેર કર્યો હતો.